Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ચોમાસુ પાકને નુકશાનનું વળતર ચુકવવામાં ઉદારતા રાખવા માંગણી

રાઘવજીભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

જામનગર તા.૧૮ : ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે મુખ્યમંત્રીને રજૂઆતમાં જામનગર જિલ્લામાં પડેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ચોમાસુ પાકો કપાસ મગફળી અને તલના થયેલા ભયંકર નુકશાન સામે રાજય સરકાર દ્વારા ખેડૂતોને ઉદાર હાથે મદદરૂપ થવા બાબતે જણાવેલ છે.

જામનગર જિલ્લામાં જામનગર, કાલાવડ, લાલપુર, ધ્રોલ, જોડીયા અને જામજોધપુર તાલુકામાં ભારે પવન સાથે પડેલા ૧ અને ૪ ઇંચ સુધીના કમોસમી વરસાદના કારણે આ જીલ્લાના ખેડૂતોના ચોમાસુ પાકો જેવા કે મગફળી, કપાસ અને તલના પાકને ભયંકર નુકશાન થયેલ હોવાથી આ પાકો અંશતઃ નુકશાન પામેલ છે. જેથી ખેડૂતોએ આ રોકડીયા પાકો માટે કરેલ ખર્ચા તથા મહેનત કુદરતી આફતના કારણે લગભગ નિષ્ફળ થયેલ છે.

જે ખેડૂતોએ મગફળી કાઢેલ છે અથે પાથરા ખેતરમાં પડેલ છે. તેને આ વરસાદને કારણે મગફળીના ડાળખા, પાંદડા અને ચારો બગળી ગયેલ છે. જેથી ખેડૂતોના વિઘા દીઠ રૂ. ૪૦૦૦ના ચારાની નુકશાની સહન કરવી પડે તેમ છે. ઉપરાંત મગફળીનો વિણાટ જમીનમાં રહી જવાથી ઉગી જશે અને જે મગફળી બચેલ છે. તેના પર વરસાદી પાણી પડવાથી તેના ભાવમાં અંદાજીત અડધો ભાવ આવશે ઉપરાંત જે મગફળી ઉભી છે તે પાકી જવાથી જમીનમાં જ ઉગી જશે આમ મગફળીના પાકમાં ખેડૂતોને ભયંકર નુકશાની વેઠવી પડેલ છે.

ભારે પવન અને વરસાદના કારણે કપાસના ડાળીઓ ભાંગી થયેલ છે ફુલ ખરી ગયેલ છે. ચાંપવા અને ઝીંડવા ખરી ગયેલ છે અને ખુલેલ કપાસના રૂ માં વરસાદી પાણી પડવાથી રૂ પણ બગળી જશે જેના પરિણામે કપાસના પાકને અંદાજીત ૭૫ ટકાથી વધુ નુકશાની થયેલ છે તેમ રજૂઆતમાં જણાવાયુ છે.

(2:13 pm IST)