Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

અમરેલીમાં સહકાર સપ્તાહની ઉજવણી : શ્રેષ્ઠ કામગીરી કરતી સહકારી બેઠકોને શીલ્ડ : સહકાર સેમીનાર યોજાયો

અમરેલી તા.૧૮ : જીલ્લાની ચારેય ટોચની સહકારી સંસ્થાઓ દ્વારા સહકાર સપ્તાહની ઉજવણીમાં જીલ્લામાં સારૂ કામ કરતી નાગરીક સહકારી બેંકોની સ્પર્ધામાં ત્રીજા ક્રમે શ્રી રાજુલા નાગરીક સહકારી બેંક લી. રાજુલા ખાતે જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઇ સંઘાણી અને રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરની ઉપસ્થિતિમાં શિલ્ડ વિતરણ કાર્યક્રમ અને સહકારી સેમીનાર યોજાઇ ગયો છે.

આ કાર્યક્રમની શરૂઆત રાજુલા નાગરીક સહકારી બેંકના ડીરેકટર મહેન્દ્રભાઇ ધાખડાએ સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકારીને કરી હતી ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું બેંક દ્વારા સ્વાગત કરાયુ હતુ. જીલ્લા સંઘના ચેરમેન મનીષભાઇ સંઘાણી તથા અંબરીશભાઇ ડેર દ્વારા ત્રીજા ક્રમે આવેલ રાજુલા નાગરીક સહકારી બેંકના ચેરમેન બાલાભાઇ કોટીલાને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.

પ્રાસંગોચીત વકતવ્યોમાં રાજુલાના તાલુકાના પીઢ સહકારી અગ્રણી અને જીલ્લા સંઘના ડીરેકટર મનુભાઇ કસવાલાએ જણાવેલ કે ૧૦૦ વર્ષથી પણ જૂની આ સહકારી પ્રવૃતિને ગામડાઓના અને ખેડૂતોના હિત માટે ઘણુ કાર્ય કરેલ છે. આપણે હવે યુવા પેઢીએ આ પ્રવૃતિને જાળવી રાખી તેનુ જતન કરવાનુ છે.

જીલ્લા સંઘના ચેરમેન મનીષભાઇ સંઘાણીએ જણાવેલ કે, માનવીના જીવનમાં આમ તો જન્મથી લઇને મૃત્યુ સુધી તમામ સ્તરે સહકારી ભાવના વણાયેલ છે. સમાજમાં અને કુટુંબમાં પણ એકલો માણસ બીજાના સહકાર વિના કંઇ કરી શકતો નથી. આ કાર્યક્રમમાં સહકારી સંસ્થાઓ માટે સક્ષમ કાયદો હતુ. આ વિષય પર જીલ્લા સંઘના સીઇઆઇ એસ.પી.ઠાકરે વિગતવાર માહિતી માર્ગદર્શન આપેલ.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી રાજુલા વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર દ્વારા જણાવેલ કે સહકારી પ્રવૃતિ જાત, નાત, ધર્મ, રાજકીય વિચારધારાઓના કોઇપણ ભેદભાવ વિના સામાન્ય માણસની ચિંતા કરતી ઉમદા પ્રવૃતિ છે. તેની ગરીમા અને મહત્વને જાળવી રાખવાની જવાબદારી સમાજના દરેક વ્યકિતની છે. રાજુલા નાગરીક સહકારી બેંકના ડીરેકટર નીતીનભાઇ પંડયાએ આભારવિધી કરી હતી.

(11:43 am IST)