Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કચ્છ આરટીઓ કચેરીનો પાસવર્ડ ચોરી કરીને પરબારા વાહનો પાસિંગ કરનાર અંતે જેલહવાલે

પાટણ અને કચ્છ આરટીઓમાં કૌભાંડ આચરનાર સુખવેન્દ્રસિંહ જાડેજા માંડ માંડ ઝડપાયા બાદ પોલીસની કામગીરી ઉપર સૌની નજર, બિહાર, ઝારખંડ સુધી તાર

ભુજ, તા.૧૮: કચ્છમાં છેલ્લા દસેક મહિનાથી ગાજી રહેલા આરટીઓ કાર પાસિંગ કૌભાંડમાં પોલીસ અને આરટીઓની કાર્યવાહી સામે શંકાની સોઈ ચિધાયા બાદ આ કૌભાંડનો આરોપી પાટણમાં ઝડપાયા બાદ પશ્યિમ કચ્છ પોલીસ ફરી સક્રિય થઈ છે. મૂળ બનાસકાંઠાના અને હાલે ભુજના માધાપર ગામે રહેતા આરોપી સુખવેન્દ્રસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તેને જેલ હવાલે કર્યો છે. આરોપી સુખવેન્દ્રસિંહ સામે આરોપ છે કે, તેણે કચ્છની જિલ્લા આરટીઓ કચેરીમાં પાસવર્ડ ચોરી કરીને કાર પાસિંગના કાગળો પરબારા બનાવ્યા હતા. આ અંગે પ્રાથમિક તપાસમાં પુરાવાઓ મળ્યા પછી તપાસ એકાએક અટકી ગઈ હતી. કચ્છ આરટીઓએ આ ગુનાહિત બનાવ દરમ્યાન ડીએમ સિરીઝની કાર ના અમુક નંબર રદ્દ કર્યા હતા તથા ભુજના જાણીતા કાર ડીલર દ્વારા વેચાતા વાહનો રજિસ્ટર કરવા ઉપર પ્રતિબંધ પણ મુકયો હતો. જોકે, પાટણના કૌભાંડ પછી હવે જયારે પશ્યિમ કચ્છ પોલીસ સક્રિય થઈ છે, ત્યારે આ ગુનામાં વધુ કડાકા ભડાકા થાય છે કે સુરસુરીયું થાય છે, એના ઉપર સૌની નજર છે.

(11:00 am IST)