Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

પાટડીમાં યુવાનોના સેવાકાર્ય થકી પ૦ થી વધુ બગલાઓ માંસાહારીમાંથી શાકાહારી બન્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૬ : બગલાઓ તળાવ કિનારે રોટલી ખાવા આ યુવાનોની રાહ જોવે છે દરિયા કિનારે કે તળાવના કિનારે બગલાઓ મોટાભાગે માછલી કે જીવાત ખાતા જોવા મળતાં હોય છે. ત્યારે પાટડીમાં યુવાનોના સેવાકાર્ય થકી ૫૦થી વધુ બગલાઓ માંસાહારીમાંથી શાકાહારી બન્યા છે. જે માછલી કે જીવાતની જગ્યાએ રોટલી માટે યુવાનોની કાગડોળે રાહ જોવે છે આજના હળાહળ કળયુગમાં માણસ માણસનો દુશ્મન બન્યો છે. ત્યારે આ વાત માનવી અને અબોલ પક્ષીઓ વચ્ચેની અતૂટ દોસ્તીની છે. પાટડીમાં ૮ જણાની ટીમનાં યુવાનોના સેવાકાર્ય થકી પાટડીમાં ૫૦થી વધુ બગલાઓ માંસાહારીમાંથી શાકાહારી બન્યા છે.પાટડીમાં ૫૦થી વધુ બગલાઓ તળાવ કિનારે રોટલી ખાવા માટે દરરોજ રાહ જુએ છે યુવાનો દ્વારા આ બગલાને રોટલી કાચબાઓને પણ રોટલી ખવડાવી અને ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે.

આજથી અંદાજે ૧૫ વર્ષ અગાઉ બચુભાઈ મોહનભાઈ વરસાણી (ઠાકોર)એ પાટડી તળાવ કિનારે આવેલા મેલડીમાતાના મંદિરે કુતરા, કાચબા અને અબોલ પક્ષીઓને દાણા અને રોટલા નાંખવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ધીમે ધીમે એમના આ સેવા કાર્યમાં શૈલેષ પાલડીયા, રમેશ ઠાકોર, જેરામ ઠાકોર, હરજી વાંઝા, સુરેશભાઈ ઠાકોર, બચુભાઇ દરબાર અને લલિત દરજી સહિતના યુવાનો જોડાતા એક આખી ટીમ બની ગઇ. પાટડીનાં આ યુવાનોની ટીમ રોજ સવાર, બપોર અને સાંજ એમ ત્રણ ટાઇમ વર્ષોથી સેવાકાર્ય નિત્યક્રમ મુજબ જાળવી રાખ્યું છે. રોજ સવારે તળાવ કિનારે ૫૦થી વધુ સફેદ બગલા રોટલી ખાવા આ યુવાનોની કાગડોળે રાહ જોવે છે. હમેંશા તળાવમાં માંછલા ખાતા માંસાહારી બગલા ધીમે ધીમે શાકાહારી બન્યા છે.આ ૮ જણાની યુવાનોની ટીમ મહિને ૧૦થી ૧૨ હજારના ખર્ચે ગાંઠીયા, મમરા, બિસ્કીટ, દાણા (જાર, બાજરી, ઘઉં અને ચોખા)  પાટડીનાં યુવાનોનું મંડળ ૫૦થી વધુ બગલાઓને નિયમીત રોટલી નાંખવાની સાથે કુતરાઓને રોટલા અને બિસ્કીટ અને તળાવમાં ૪૦થી વધુ કાચબાઓને ગાંઠીયા, મમરા અને રોટલી તથા હજારો પક્ષીઓને દાણા નાંખવાનું ભગીરથ કાર્ય નિયમીત રીતે કરે છે.

છેલ્લા ૧૫ વર્ષથી આ સેવાકાર્ય અવિરત ચાલુ છે બચુભાઈ વરસાણી જણાવે છે કે, આજથી ૧૫ વર્ષ અગાઉ મેં આ સેવાકાર્યની શરૂઆત કરી હતી. ધીમે ધીમે આ સેવાકાર્યમાં અનેક લોકો જોડાતા ગયા.અને હવે મારી ઉંમર થતા પાટડીનાં યુવાન શૈલેષે આ જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી છે. રોજ સવારે સફેદ બગલા અમારી કાગડોળે રાહ જોવે છે. શૈલેષ પાટડીયા જણાવે છે કે, રોજ સવારે તળાવ કિનારે રોટલી ખાવા ૫૦થી વધુ બગલા અમારી કાગડોળે રાહ જોવે છે. આ બગલા રોજ રોટલી ખાવાના લીધે માંસાહારી માંથી શાકાહારી બન્યા છે.અને આ સેવાકાર્યમાં ગામનાં પ્રતિષ્ઠિત લોકો સહિત અનેક લોકોનો સારો સાથ સહકાર મળી રહ્યો છે.અને ઘેર-ઘેરથી રોટલા ઉઘરાવી આ સેવાયજ્ઞ વર્ષોથી અવિરત ચલાવે છે. 

(12:11 pm IST)