Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મોરબીના શકતશનાળામાં ૬પ૦ વર્ષ કરતા પૌરાણિક શક્તિ માતાજીની શક્તિપીઠઃ મોરબી હોનારત બાદ મંદિરમાં કુઇમાંથી લોકોને પાણી પુરૂ પડાયુ હતું

મોરબી :ગુજરાતભરમાં માતાજીના અનેક સ્થાનકો આવેલા છે. ચાર જગ્યાએ ઝાલા પરિવાર દ્વારા શક્તિ માતાજીનું શક્તિપીઠ બનાવીને માતાજીની સ્થાપના કરવામાં આવી છે. તે પૈકીનું એક શક્તિપીઠ મોરબી નજીકના શકત શનાળા ગામે આવેલું છે. આ મંદિર આશરે 650 વર્ષ કરતા પણ વધારે જૂનું હોવાનું ઝાલા સમાજના લોકોનું કહેવું છે. પહેલા અહીં માતાજીની નાની એવી દેરી હતી. જોકે સમાયંતરે મંદિરનો જીર્ણોદ્ધાર થતા આજે શકત શનાળા ગામે રાજવી પરિવાર તેમજ ઝાલા સમાજના આર્થિક સહયોગથી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.

મંદિરના મહંત શાંતિગીરી ગોસ્વામીએ જણાવ્યું કે, શક્તિ માતાજીના આ મંદિરના ઈતિહાસની વાત કરીએ તો ઈસુની ૧૧૫૬ની સદીમાં જ્યારે સોલંકી રાજ હતું, ત્યારે યુગપુરુષ રાજા હરપાળદેવ થઇ ગયા, જેઓએ સોલંકી રાજ પાસેથી 2300 પાદર એટલે કે ૨૩૦૦ ગામ મેળવીને પાટડી ગામે મા શક્તિ સાથે તેઓના વિવહ થયા હતા. તેથી ત્યાં શક્તિપીઠ છે. આટલું જ નહિ શક્તિ માતાજી અને હરપલદેવજીના સંતાનો એટલે કે સમગ્ર ઝાલા પરિવર માતાજીના સીધા વારસદાર છે. દર વર્ષે શરદ પૂનમના દિવસે ઝાલા પરિવાર દ્વારા શક્તિ માતાજીના મંદિરે હવન રાખવામાં આવે છે અને મોરબી તેમજ ટંકારા તાલુકામાં વસતા ૨૩ ગામના ઝાલા પરિવાર એકત્રિત થાય છે. ઝાલા પરિવાર દ્વારા ચાર જગ્યાએ શક્તિપીઠ બનાવવામાં આવી છે. જેમાં પહેલું શક્તિપીઠ પાટડીમાં છે, બીજું દીઘડીયા ગામે છે. કેમ કે સોલંકી રાજ પાસે ૨૩૦૦ ગામ હરપલદેવજીએ મેળવ્યા હતા, તે પેકીનું ૨૩૦૦મું ગામ દીઘડીયા હતું. બાદમાં ધામામાં શક્તિપીઠ બનાવાઈ.

એવું કેહવાય છે કે હરપાળદેવ અને શક્તિ માતાજીની ૨૦મી પેઢીએ રાજ આશાજી અને દેવજીમાં, જ્યાં શનાળા ગામ છે, ત્યાં આવ્યા હતા અને તે સમયે મોરબી પંથકમાં ગોરી બાદશાહનું રાજ હતું, ત્યારે તેમના મલ્લની સામે પરાક્રમ કરીને આ વિસ્તારના 84 ગામ જીત્યા હતા. તેઓ તમામ 84 ગામમાં તોરણ બાંધવા નીકળ્યા હતા, ત્યારે મંદિરની જગ્યાએ જંગલમાં તેઓને પ્રકાશપુંજ દેખાયો હતો. તેથી શનાળા ગામે આશાજી અને દેવજીએ શક્તિપીઠની સ્થાપના કરી હતી.

આ મંદિરની બાજુમાં જ દરગાહ પણ આવેલી છે. જેથી મંદિરના પૂજારી દ્વારા દરગાહમાં પણ આરતી, ધૂપ, દીવા કરવામાં આવે છે. જેથી કરીને મોરબી નજીક આવેલા શક્તિ માતાજીને કોમી એકતાના પ્રતિક સમાન પણ કહેવામાં આવે છે.

આ મંદિર સાથે અન્ય એક વાત પણ જોડાયેલી છે. મોરબીના રાજવીને કોઈ અસાધ્ય બીમારી હતી, જે કોઈ રીતે મટતી ન હતી ત્યારે કોઈ વૈદ્યે કહ્યું હતું કે, શકત શનાળા ગામે આવેલ કૂવાનું પાણી પીવાથી ફાયદો થશે. માટે લખધીરસિંહ બાપુ સુધી શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરથી જ પીવાનું પાણી રાજવી પરિવારના ઘરે જતું હતું. એટલું જ નહિ તે સમયે તો રાજવી પરિવાર જો મોરબી બહાર જવાનો હોય તો જેટલા દિવસનું ત્યાં રોકાણ હોય તેટલા દિવસનું પાણી શક્તિ માતાજીના મંદિરેથી સાથે લઇ જતા હતા. ઉલેખનીય છે કે ૧૯૭૯ની મોરબી હોનારતમાં જ્યારે મોરબી તથા આસપાસના ગામમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હતી, જેથી શક્તિ માતાજીના મંદિરમાં આવેલ અખાન કુઈમાં ડીઝલ મશીન મૂકીને પાણી ખેચવામાં આવ્યું હતું અને લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. ગામના દરેક ઘરમાં કૂવામાંથી પાણી લઈ જવામાં આવે છે.

(5:01 pm IST)