Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જામનગર જી.જી. હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૪૨ દર્દીઓ સારવારમાં ૪૬ને રજા અપાઇ

જામનગર ,તા.૧૮: જામનગરમાં ડેંગ્યુના રોગચાળો સમવાનું નામ નથી લઈ રહ્યો.જામનગર જિલ્લાની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેંગ્યુના ૪૨ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.જયારે ૪૬ લોકોને ગઈકાલે રજા અપાઈ હોવાનું જાણવા મળે છે. સરકારી હોસ્પિટલ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓ માં પણ ડેંગ્યુના અનેક કેસો સામે આવી રહ્યા છે.

જામનગર જિલ્લામાં વધી રહેલા ડેંગ્યુના કેસોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિના નાટકો, ખુલ્લામાં ભરાયેલા પાણીમાં ઓઇલ નાખવા અને દવા છટકાવ કરવાની કામગીરી આરંભાઈ છે.

ગઈકાલે બપોરે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ડેંગ્યુના દર્દીઓને મળવા કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પણ કોંગ્રેસી આગેવાનો સાથે પહોંચ્યા હતા.અને હોસ્પિટલમાં ઉકાળા અને ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. (તસવીર-કિંજલ કારસરીયા, જામનગર)

(1:50 pm IST)