Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જૂનાગઢ જિલ્લાના ત્રણ તાલુકામાં ૧૬૮૧ હેકટરમાં મગફળી-કપાસનાં પાકને નુકસાન

જૂનાગઢ, તા.૧૮: જૂનાગઢ જિલ્લામાં ૩.૧૦ લાખ હેકટરમાં કપાસ- મગફળીનું વાવેતર થયું છે. ભારે વરસાદના લીધે તેમાં નુકસાન થયું હતું. આ મામલે તંત્ર દ્વારા સર્વે કરાયો હતો. જેમાં ૧૧ હજાર હેકટર વિસ્તાર અસરગ્રસ્ત જાહેર થયો હતો. તેમાંથી ૧૮૧ ગામના ૫૫૧૧ હેકટરમાં સર્વે થયો છે અને ૧૬૮૧ હેકટરમાં જ મગફળી- કપાસના પાકને નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ જાહેર થયો છે. હજુ દ્યેડ વિસ્તારમાં પાણી ભરેલા હોવાથી છ હજાર હેકટરમાં સર્વે બાકી છે. જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદ થયો હતો અને પૂરના પાણીના કારણે જમીનનું ધોવાણ થયું હતું તેમજ પાકને નુકસાન થયું હતું.

જૂનાગઢ જિલ્લામાં ૨,૩૪,૬૦૦ હેકટર જમીનમાં મગફળી તથા ૭૪૮૯૨ હેકટરમાં કપાસનું વાવેતર થયું છે. આ વાવેતરમાંથી ત્રણ તાલુકાનો ૧૧ હજાર હેકટર વિસ્તાર અસરગ્રસ્ત જાહેર થયો હતો. માણાવદર, માંગરોલ અને કેશોદ તાલુકામાં વધુ નુકસાન હોવાથી ત્યાં ૪૦ જેટલી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ ત્રણ તાલુકામાં ૧૬૮૧ હેકટર જમીન વિસ્તારમાં ૩૩ ટકાથી વધુ કપાસ તથા મગફળીના નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે. જેના માટે ખેતીવાડી વિભાગે સરકાર પાસે ૧.૧૫ કરોડની ગ્રાન્ટની માંગણી કરી છે.

કેશોદ, માણાવદર, વંથલી તથા માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વરસાદી પાણી ભર્યા છે. આથી હજુ છ હજાર હેકટર વિસ્તારમાં સર્વે કામગીરી બાકી છે. આગામી એક સપ્તાહ બાદ ત્યાં સર્વે થયા બાદ વધુ ગ્રાન્ટની માંગ કરવામાં આવશે.

આ સર્વે મામલે વિસાવદરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે તંત્ર જ ખેતરમાં પાણી ભર્યા હોવાનું સ્વીકારે છે. આથી આમાં સર્વેની શું જરૂર છે. ત્યાં પાક પાણીમાં ડૂબી ગયેલો છે. તેને નુકસાનગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

(1:43 pm IST)