Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જામનગરમાં સ્ટેમ્પ પેપર પ્રશ્ને પરેશાની ભોગવતા પ્રજાજનો

જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

 જામનગર તા.૧૮ : જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણીએ રાજયના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી જામનગર જિલ્લામાં સ્ટેમ્પ પેપરની અછતના કારણે મુશ્કેલી પડતી હોય તાકિદે ઘટતુ કરવા માંગણી કરી છે.

તેમણે વધુમાં જણાવેલ છે કે, જામનગર જિલ્લામાં તથા શહેરમાં રૂ.૫૦-૧૦૦ના સ્ટેમ્પ પેપર કયાય ઉપલબ્ધ નથી. તાલુકા તથા ગ્રામ્ય લેવલે પોસ્ટ ઓફીસોમાં સ્ટેમ્પ પેપરોનો સ્ટોક નથી. ગામડાઓમાંથી રોજ હજારો માણસો ૨૦૦-૩૦૦ રૂપિયાના પેટ્રોલનો ખર્ચ કરી ૨૦ અને ૫૦-૧૦૦ના સ્ટેમ્પ પેપર લેવા જામનગર સુધી ધકકા ખાય છે. જામનગરમાં પણ અમુક સ્ટેમ્પ વેન્ડરો પાસે સ્ટેમ્પ ઉપલબ્ધ હોય છે. ત્યા પણ ૫૦ - ૧૦૦ માણસોની લાઇનો હોય છે.

સરકારની વિવિધ યોજનાઓ જેવીકે વિધવા સહાય, રેશનકાર્ડ, જાતિના દાખલા, કૌટુબિંક વારસાઇ, આંબો, ભાડા કરાર, વાહનો, મકાનોના વેચાણ કરાર તેમજ આવકના દાખલા કાઢવા ઉપરાંત સોગંદનામા વિ.જેવી અનેક કામગીરી માટે સ્ટેમ્પ પેપર ફરજીયાત છે. સરકારશ્રી સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામુ કરવાનુ ફરજીયાત રાખે છે પરંતુ સ્ટેમ્પ પેપર પુરા પાડવા કોઇ નકકર વ્યવસ્થા નથી. તાત્કાલીક આ બાબતને ગંભીર ગણી સ્ટેમ્પપેપરોની યોગ્ય વ્યવસ્થા કરે તેમજ તાલુકા તથા ગ્રામ્યકક્ષાની પોસ્ટ ઓફીસો તથા સ્ટેમ્પ વેન્ડરોને સ્ટેમ્પનો જથ્થો મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે.

(11:52 am IST)