Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ચરેલના છાત્ર હરપાલસિંહ વાળાને ઢોર માર મારનાર જામકંડોરણા પીએસઆઇ-સ્ટાફ સામે તપાસનો હુકમ

આર્મીમાં ભરતી માટે ચરિત્રનું સર્ટી કઢાવવા જતા પોલીસે ઝુડી નાખ્યો'તોઃ એસપી બલરામ મીણા દ્વારા જેતપુર ડીવાયએસપી બાગમારને તપાસ સોંપાઇ : અત્યાચારની આવી ઘટના સાખી ન લેવાયઃ જવાબદારો સામે પગલા લેવાશે : એસપી બલરામ મીણા

પોલીસ અત્યાચારનો ભોગ બનેલ છાત્ર હોસ્પીટલમાં સારવાર હેઠળ નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૮: જામકંડોરણા તાલુકાના ચરેલ ગામના ગરાસીયા યુવકને જામકંડોરણાના પીએસઆઇ તથા સ્ટાફે ઢોર માર માર્યાની ઘટનાના ઘેરા પડઘા પડયા બાદ રાજપુત સમાજના વિવિધ સંગઠનો દ્વારા એસપીને આવેદન અપાતા એસપી બલરામ મીણા આ ઘટના અંગે જેતપુર ડીવાયએસપીને તપાસ સુપ્રત કરવાનો હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચરેલ ગામના છાત્ર  હરપાલસિંહ વાળા આર્મીની ભરતી માટે   ચરિત્રનું સર્ટીફીકેટ કઢાવવા જામકંંડોરણા પોલીસ મથકે ગયા હતા ત્યારે પીએસઆઇ  વિનોદ ચૌહાણ સાથે રકઝક થતા પીએસઆઇ વિનોદ ચૌહાણ તથા સ્ટાફે છાત્ર હરપાલસિંહને ઢોર માર માર્યો હતો એટલું જ નહી તેને વિજ શોકના ઝાટકા પણ આપ્યા હતા. પોલીસના સીતમનો ભોગ બનેલ છાત્ર હરપાલસિંહને ઇજા થતા સારવાર અર્થે જુનાગઢ હોસ્પીટલમાં ખસેડાયો હતો. દરમિયાન આ ઘટનાને પગલે રાજપુત સમાજમાં પોલીસના અત્યાચાર સામે આક્રોશ ફાટી નિકળ્યો હતો. નિર્દોષ વિદ્યાર્થી પર સિતમ ગુજારનાર જામકંડોરણાના પીએસઆઇ તથા સ્ટાફ સામે તાકીદે પગલા લેવા ગઇકાલે રાજપુત સમાજના વિવિધ સંગઠનોએ રૂરલ એસપી બલરામ મીણાને આવેદન આપી ઉગ્ર રજુઆત કરી હતી. એસપી બલરામ મીણાએ જામકંડોરણાના પીએસઆઇ તથા સ્ટાફ સામે જેતપુર ડીવાયએસપી બાગમારને તપાસ સોંપવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે રાજકોટ જીલ્લા રાજપુત સમાજ મંડળના પ્રમુખએ રૂરલ એસપી બલરામ મીણાને રજુઆત કરતા એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે અત્યાચારની આવી ઘટના સાખી ન લેવાય. નિર્દોષ વિદ્યાર્થી પર જુલ્મ ગુજાર્યાનું તપાસમાં બહાર આવશે તો જવાબદારો સામે કડક પગલા ભરવામાં આવશે.

(11:48 am IST)