Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

બેટીના પૂલ પર માતા-પિતાની નજર સામે જટેલરે કચડી નાખતા બે પુત્રોના મોતથી આક્રંદ

વિશાલ (ઉ.વ.૧૭) અને હાર્દિક (ઉ.વ. ૧૫) માતા-પિતા સાથે ઠીકરીયાળા ગામે માતાજીના મઢે જતા'તા

(ફારૂક ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર, તા. ૧૮ :. અમદાવાદ હાઈવે પર બેટીના પૂલ ઉપર ટેલરના ચાલકે બાઈકને ઉલાળતા બે સગા કોળી ભાઈઓના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. માતા-પિતાની નજર સામે બે પુત્રના મોતથી કોળી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મળતી વિગત મુજબ રાજકોટના લોઠડા ગામમાં રહેતા મનસુખભાઈ રઘુભાઈ સંઘાણી (ઉ.વ.૪૫) (કોળી) ગઈકાલે તેના પત્નિ રંજનબેન અને બે પુત્ર વિશાલ (ઉ.વ.૧૭) અને હાર્દિક (ઉ.વ.૧૫) બે બાઈક પર આઠમ હોવાથી લોઠડાથી ઠીકરીયાળા ગામે માતાજીના મઢે જતા હતા. એક બાઈક પર મનસુખભાઈ અને તેના પત્નિ રંજનબેન બીજા બાઈક પર વિશાલ અને હાર્દિક જઈ રહ્યા હતા. જેમાં વિશાલ બાઈક ચલાવતો હતો. ચારેય અમદાવાદ હાઈવે પર બેટી નદીના પૂલ ઉપર પહોંચતા આર.જે. ૦૯ જીસી ૧૪૧૬ નંબરના ટેલરના ચાલકે બાઈકને ઠોકર મારતા બન્ને ભાઈઓ ટેલરના વ્હીલ નીચે કચડાઈ જતા બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ મોડીયા, પીએસઆઈ પી.સી. મોલીયા તથા હેડ કોન્સ. હમીરભાઈ, હિતેષભાઈ ગઢવી અને અંશુમનભાઈ સ્થળ પર પહોંચી ગયા હતા. અકસ્માત થતા ટેલર ચાલક ટેલર રેઢુ મુકી ભાગી ગયો હતો. મૃતક વિશાલ ધોરણ ૧૨માં અને હાર્દિક ધોરણ ૧૦માં બન્ને માસુમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા. માતા-પિતાની નજર સામે જ બે પુત્રના મોત નિપજતા કોળી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.(૨-૫)

(4:01 pm IST)