Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ખંભાલીડાની શૈલ ગુફામાં અલંકૃત પદ્મપાણિ અને વજુપાણિની કલાત્મક બૌધ્ધિસત્વની મૂર્તિઓ

ઉના : ભાદર નદીના કાંઠે સાતવડાની નાની ડુંગરમાળ આવેલી છે. આ ડુંગરમાળની ગોદમાં ખંભાલીડા નામનું રળિયામણુ ગામ છે. ખંભાલીડા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામા આવેલ છે. પરંતુ જેતપુરની પાસે છે. ખંભાલીડા જૂનાગઢથી ૪૨ કિ મી. જેતપુરથી ૧૨ કિ મી અને રાજકોટથી ૭૦ કિ મી દૂર છે. સાતવડાની નાની નાની ટેકરીઓ વચ્ચે નેસડા જેવું રૂપકડું ગામ ખંભાલીડા વસેલું છે.આશરે ચારસો પચાસ લોકોની વસ્તી ધરાવતા ગામમા મુખ્ય વસ્તી પટેલો અને દલિતોની છે.ગુજરાતની પ્રાચિન શિલ્પો ધરાવતી એકમાત્ર શૈલ બૌધ્ધ ગુફાઓ અંહી આવેલી છે.આ ઐતિહાસિક બૌધ્ધ ગુફાની શોધ મુંબઈ રાજયના ગુજરાત પ્રદેશના પુરાતત્વ વિભાગના વડા શ્રી પી પી પંડ્યાએ ૧૯૫૯ના જુલાઈ મહિનામાં કરી હતી. અંહી કુલ ૧૭ ગુફાઓ હતી. હાલ ૧૫ ગુફાઓ જોઈ શકાય છે. બે ગુફાઓ મુખ્ય ગુફાની સામે આવેલ ડુંગરમાળમાં હતી.જેનો સંપૂર્ણ નાશ થયો છે.આ ગુફાઓ ક્ષત્રપકાલ એટલે કે ઈ.સ. ૧૦૦ થી ૪૦૦ અને ચંદ્રગુપ્ત ૨ જો ઈ.સ. ૩૭૫ થી ૪૧૪ ના સમયમાં કંડારવામાં આવી છે. એટલે કે ત્રીજી સદીના અંત ભાગે અને ચોથી સદીની આરંભે બનાવવામાં આવી હશે.આ ગુફાઓમાં ચૈત્યગૃહ, વિશાળ સભામંડપ, વિહારો છે. મુખ્ય ત્રણ ગુફાની વચ્ચેની ગુફાના પ્રવેશદ્રારની બન્ને બાજુ માનવ કદની ઊંચી બૌધિસત્વ અવલોકિતેશ્વર પદ્મપાણિ અને અવલોકિતેશ્વર વજૃપાણિની અદ્બૂત મૂર્તિઓ કોતરવામાં આવી છે.જે ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલાનો ઉત્ત્।મ નમૂનો છે.

ત્રણ ગુફાઓ પૂર્વાભિમુખ છે.આ ગુફાઓ પોતાના અસ્તિત્વના અંતિમ તબ્બકામાંથી પસાર થઈ રહી છે.જેમાની એક ગુફાની છત સંપૂર્ણ નાશ પામી છે. બીજી ગુફા ખળભળી ચૂકી છે. બાકીની ૧૧ ગુફાઓ ઊતરાભિમુખ છે. મુૃખ્ય ત્રણ ગુફાઓના પ્રવેશદ્રાર પર  અદ્ભૂત શિલ્પો કંડારેલા છે.આ શિલ્પોની ભાવ મુદ્રાના અર્થો અને સુંદરતાની વિગતે વાત કરીશુ. આ ગુફાઓમાં અંદર ચેત્ય અને ધ્યાન બેઠક છે.

પહેલી ગુફાની બાજુની દિવાલને કાળની થપાટ લાગી ચૂકી છે. તે પડી ગઈ છે.આ ગુફાની લંબાઈ ૧૦ ફૂટ,પહોળાઈ ૭  ફૂટ અને ઊંચાઈ  ૬ ફૂટ છે. ગુફાની અંદર એક ગોખ છે. જેની અંદર ધૂંધળી  જર્જરિત  કોતરણી ઊપસેલી જોવા મળે છે એ અવલોકિતેશ્વર બુધ્ધની હોવાની અનુભૂતિ કરાવે છે. આ ગુફાની બરાબર પાછળના ભાગે એક ગુફા આવેલી છે.જેની એક બાજુ નશ્ટ પામી છે.

બીજા નં ની ગુફાની શિલા તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદના મારથી તેનો કેટલોક ભાગ પડી ગયો છે.તેની લંબાઈ ૧૨ ફૂટ અને પહોળાઈ ૭ ફૂટ છે.

ત્રીજા નંબરની ગુફા ૭*૬*૭ની છે. આ ગુફામાં આવેલા ગોખમાં બુધ્ધની મૂર્તિ ખવાઈ ગયેલી જોવા મળે છે. ગુફા નં ૪ થી ગુફા નં ૮ સુધી સાદી અને નાની ગુફાઓ છે. જેની રચના ૧૦*૮*૬ ની આસપાસ છે.ગુફા નં નવ દક્ષિણાભિમુખ છે. ૧૦.૫૦*૮ *૭ની છે. અંદર ધ્યાનની બેઠક છે. જેની બહારની દીવાલ પર લાલરંગનું ત્રીશુળ દોરી કોઈ કાલ્પનીક દેવનુ સ્થાપન કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.

૧૦ નંબરની ગુફા વિશાળ છે.અંદર ચાર સ્તંભ છે ગુફાના અંદરના અડધા ભાગમાં ઊંચી વિપશ્યના બેઠક છે.આ ગુફાની લંબાઈ ૨૭ ફૂટ, પહોળાઈ ૧૯ ફૂટ અને ઊંચાઈ ૮.૫૦ ફૂટ છે.ગુફાની શરુઆતમાં ઊપરના ભાગે બન્ને બાજુ ઊંચે ગોખ છે. આ ગોખમાં દીવડા રાખવામાં આવતાં હશે. સભામંડપ જેવી ગુફાના શરુઆતના બે ચોરસ સ્તંભ પુરાતત્વ ખાતાએ બનાવેલા છે. અંદરના બે સ્તંભ મુળ પથ્થરના ખવાઈ ગયેલા જોઈ શકાય છે.

બાર નંબરની ગુફા  સભામંડપ જેવી વિશાળ છે.તેની અંદર આઠ કલાત્મક ગોળ સ્તંભો છે.જેમાના આગળના બે નાશ પામ્યા છે.નાશ પામેલા બન્ને સ્તંભના તૂટેલા અવશેષો મૂળ જગ્યાએ જોવા મળે છે.બાકીના અંદરના બીજા બે સ્તંભને પુરાતત્વ ખાતાએ નવા બનાવેલા  છે.આ ગુફાની લંબાઈ ૨૮ ફૂટ,પહોળાઈ ૨૦ ફૂટ અને ઊંચાઈ ૭ ફૂટ છે.જેના આગળના ભાગે વિશાળ ખુલ્લું મેદાન છે.

ખંભાલીડામાં આવેલી મહાયાન સંપ્રદાયની શૈલ ગુફામાં અલંકૃત પદ્મપાણિ અને વજ્રપાણિ બૌધ્ધિસત્વની મૂર્તિઓ કોતરેલી જોવા મળે છે. જે ગુજરાતભરમાં આવેલી અન્ય બૌધ્ધ ગુફાઓ કરતા સ્થાપત્યની દ્રષ્ટિએ ગુજરાતનો ક્ષત્રપ અને ગુપ્તકાલનો અદ્ભૂત વારસો છે.

ખંભાલીડામાં મુખ્ય ગુફાના પ્રવેશદ્રાર પર જમણી બાજુ જે અલંક્રિત કોતરણી કરવામાં આવી છે તે બૌધ્ધિસત્વ  પદ્મપાણિ અવલોકિતેશ્વરની છે તે પુરુષ હોવા છતાં તેમની ભાવ ભંગિમા િ સ્ત્રયોચિત આકૃતિ જેવી જોવા મળે છે.તેની મૂર્તિ શૃંગારિત છે.તેને નૃતક જેવી કોતરવામાં આવેલ છે.બૌધીસત્વને સૌંદર્યપૂર્ણ કંડારેલ છે.અંહી જે મૂર્તિ કોતરેલી છે તેના અંગને ત્રણ જગાએથી શ્રુગારિત અવસ્થામાં બતાવેલ છે. પદ્મપાણિ સ્વરુપને ગર્દન, કમર અને નિતંબથી કલામય રીતે વળાંક આપેલ છે.એક હાથમા કમળનું ફૂલ ધારણ કરેલ છે.માથા પર શણગારેલ મુગટ, મુગટ બહાર નીકળતા છૂટા કેશ અને નમણાશ ભરેલી ભરાવદાર હડપચી સાથે પૂરી આકૃતિ નૃતક જેવી લાગે છે.અવલોકિતેશ્વર કે જે સ્વર્ગમાંથી પૂરા વિશ્વ પર કૃપા દ્રષ્ટિ વરસાવનાર પ્રભુ.એજ રીતે અંહી ડાબી તરફ આવેલી મૂર્તિ અવલોકિતેશ્વર વજૃપાણિની છે.જેની મૂર્તિ પણ પદ્મપાણિ સ્વરુપને મળતી આવે છે પરંતુ આ મૂર્તિના એક હાથમાં વજૃ છે  જે બુધ્ધની શકિતનુ પ્રતિક  છે. બન્ને મૂર્તિના ચિત્રણ અવસ્થામા બુધ્ધનું કરૂણામય રૂપ દર્શાવવાનો ભિખ્ખુઓનો ભાવ પ્રગટ થાય છે.

ખંભાલીડાની શૈલ ગુફાની  મુલાકાતે આવનારાની રજીસ્ટરમાં નોંધ લેવામાં આવે છે.પુરાતત્વ વિભાગ દ્રારા અંહી ગામના જ રાજુભાઈ સાગઠીયાની નિમણુક કરવામાં આવી છે.જાળવણીનું કામ સરકાર દ્વારા આઉટ સોર્સને સોંપાવાંમાં આવેલ છે. ગુફાથી થોડે દૂર બૌધ્ધ કેન્દ્ર બની રહ્યુ છે.કોઈ કારણોસર તેનુ કામ બંધ છે.પાસે આવેલા કાગવડ ગામમાં લેઉવા પટેલના કુળદેવી માં ખોડલનું ભવ્ય ખોડલધામ આવેલુ છે. સાતવડાની લીલીછમ્મ ડુંગરમાળના કાંઠે આવેલાં ઝરણાના કિનારે  ખૂબજ જૂના બૌધ્ધિ વૃક્ષની ઘટાદાર છાંયમાં સેંકડો વરસોથી ઊભેલી અવલોકિતેશ્વરની અમિ દ્રષ્ટિ કહી રહી છે.

નિરવ ગઢિયા (ઉના)

નિલેશ કાથડ

મો. ૯૪૨૬૧ ૬૯૮૮૮

(11:54 am IST)
  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST

  • વાડીનારના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ :યુવાનની હત્યા ;પોલીસ ઘટના સ્થળે પહોંચી :ગામમાં ભારેલો અગ્નિ : access_time 8:34 pm IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST