Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

અતિ ભારે વરસાદ બાદ જમીન તેમજ પાક ધોવાણ અને પાકમાં રોગથી થતી નુકસાનીથી બચવા અંગે માર્ગદર્શન આપતું કૃષિ વિજ્ઞાન કેંદ્ર જામનગર

જામનગર,તા. ૧૮: હાલમાં ચોમાસાની ઋતુ દરમ્યાન તાજેતરમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂતોને જમીન તેમજ પાક ધોવાણના ઉપરાંત પાકમાં રોગ આવવાના પ્રશ્નો ખૂબજ થયેલ છે. આ રોગના નિયંત્રણના ભાગ રૂપે કપાસ, મગફળી, તલ, ડુંગળી, એરંડા, શાકભાજી તેમજ અન્ય ખેતી પાકોને નુકશાનીથી બચાવવા માટે ખેતરમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવા,આજુબાજુના કુવા/બોરના પાણી ઉલેચી જમીનમાં ભરાયેલ પાણીનું તળ નીચું બેસાડી પાણી લાગી ગયેલ પાકને પાણી ઓછું કરવા,ધોરીયા પદ્ધતિથી પાણી આપીને પાલાર પાણી ઉતારી જમીન કડક/કઠણ કરી રોગનું પ્રમાણ ઘટાડવા,તમામ પાકોમાં એક વીઘા(૧૬ ગુંઠા)માં ૧ કિલોગ્રામ કોપર ઓકઝીકલોરાઈડ + ૧ કિલો સલ્ફર ૮૦% વે.પ. + ૩૦૦ ગ્રામ કાર્બેન્ડેઝીમ દવાનું મિશ્રણ કરીને જમીનમાં ડ્રેન્ચિંગ પદ્ધતિથી થડ પાસે પીવડાવવા, કઠોળ વર્ગ સિવાયના પાકોમાં ઉપરોકત ટ્રીટમેન્ટ ઉપરાંત પાકને એમોનિયમ સલ્ફેટ ખાતર ૧૨ થી ૧૫ કિલોગ્રામ પ્રતિ વીઘા(૧૬ ગુંઠા) મુજબ જમીનમાં આપવા ખાસ કાળજી લેવા સલાહ આપવામાં આવે છે.

 તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરી સમસ્યા જટિલ જણાય તો નજીકના ગ્રામ સેવક, કૃષિ અધિકારી અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

(1:06 pm IST)