Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મોદીના ૭૧માં જન્મદિનને સેવાદિન તરીકે ઉજવાયો

જામનગર ખાતે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-૨.૦ સહિતની યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ

 જામનગર,તા.૧૮ : રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને  'ગરીબોની બેલી સરકાર' થીમ હેઠળ રાજયભરમાં કાર્યક્રમ યોજાયા હતા.જે અન્વયે જામનગરશહેરના ટાઉનહોલ ખાતે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-૨.૦, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓને કીટ તેમજ પ્રમાણપત્ર વિતરણ અને સ્વચ્છતા અનુલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર સરપંચોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

  ઉજજવલા યોજના ૨.૦ અંતર્ગત કાર્યક્રમના સ્થળે પ્રવાસી શ્રમિકો, ગરીબી રેખા હેઠળના ૧૫૦લાભાર્થીઓને ગેસકીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી પ્રથમ ગેસ બોટલ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

વધુમાં કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોનામાં વાલી ગુમાવનાર બાળકોને પણ સહાય ચૂકવવામાં આવી હતી.જેમાં કાર્યક્રમમાં વર્ચ્યુલી ઉપસ્થિત રહેલ મુખ્યમંત્રી   ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લાભાર્થી બાળકોના ખાતામાં ઓનલાઇન સહાય ચૂકવવામાં આવી હતી.જેમાં જામનગર જિલ્લાના ૨૦ બાળકોને પણ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં ગ્રામીણ કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાની ખાવડી, વરણા, બાદનપર અને લીંબુડા ગામના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું. સ્વાગત પ્રવચન ડી.આર.ડી.એ.ના નિયામક રાજેન્દ્રસિંહ રાયજાદાએ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમ,મેયરશ્રી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, પૂર્વ મંત્રી શ્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, પ્રભારી સચિવ શ્રી નલીનભાઈ ઉપાધ્યાય, કલેકટર  ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, કમિશનર   વિજય ખરાડી વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:05 pm IST)