Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પોરબંદરમાં વડાપ્રધાનના જન્મદિને કોંગ્રેસ દ્વારા બીસ્માર રસ્તાના ખાડામાં બોર્ડ મુકીને નવતર વિરોધ

પોરબંદર, તા. ૧૮ :. શહેરમાં મોટાભાગના બીસ્માર રોડ સામે કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ વડાપ્રધાનના જન્મ દિને કરીને તંત્રની બેદરકારી સામે રોષ વ્યકત કર્યો છે.

મુખ્ય માર્ગ એટલે જ્યુબેલી-બોખીરા રોડ જે સમગ્ર બરડા પંથકનો મુખ્ય માર્ગ છે અને ગાયત્રી મંદિર તરફ જતો રસ્તો જે માર્કેટીંગ યાર્ડ જીઆઈડીસીને જોડતો મુખ્ય માર્ગ છે અને આશાપુરા ચોકડીથી ઓરીએન્ટ ફેકટરી તરફ જતો રસ્તો અને બિરલા રોડ ઈન્દીરાનગરવાળો રસ્તો લાંબા સમયથી ખૂબ ભયંકર હાલત છે. આ બધા રોડ ઉપર અત્યારે નિકળવુએ જીવના જોખમે નિકળવા જેવુ થઈ ગયું છે. ઘણા અકસ્માતો પણ સર્જાયા છે ત્યારે યુવક કોંગ્રેસ દ્વારા આ રસ્તાઓ ઉપર સરકાર વિરોધી સૂત્રો લગાડવામાં આવ્યા અને સરકાર તરફથી જે મોટી અને ખોટી વિકાસની વાતો કરવામાં આવી રહી છે તે ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઘણા વિસ્તારોના રસ્તાઓમાં જ્યાં ભયંકર મસમોટા ખાડાઓ પડયા છે, રોડ ઉપર નિકળવું મુશ્કેલ બન્યુ છે. ઘણા અકસ્માતો સર્જાયા છે છતાંય ત્યાં કોઈ ખાડા બુરવાની કે લોકોને પડતી મુશ્કેલીઓમાં રાહત માટે પણ કામગીરી કરવામાં આવી નથી તેમ જણાવીને આક્રોશ ઠાલવ્યો હતો.

પોરબંદરને જોડતા નેશનલ હાઈવે અત્યંત બીસ્માર અવસ્થામાં છે. શહેરની આજુબાજુના ૧૦ કિલોમીટરના રસ્તાઓ ખૂબ જ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા હોવા છતા હાઈવે ઓથોરીટીને તેની ગંભીરતા સમજાતી નથી. પોેરબંદરમાં છેલ્લા એક વર્ષથી દ્વારકા અને સોમનાથ તરફના તથા જ્યુબેલી પૂલથી રોકડીયા હનુમાન મંદિર તરફના બીસ્માર નેશનલ હાઈવે વિશે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં તેમને સંભળાતી નથી, શહેરની સંસ્થાઓથી માંડીને રાજકીય આગેવાનોએ પણ જ્યારે રજૂઆત કરી ત્યારે માત્ર લુખ્ખા આશ્વાસન આપના દ્વારા અપાયા છે. હાલમાં ચોમાસાની સિઝન દરમિયાન આ રસ્તા વધુ બીસ્માર બની ગયા છે. સૌથી મહત્વના કહી શકાય તેવા શહેરના નજીકના રસ્તાઓમાં જ્યુબેલી પૂલથી રોકડીયા હનુમાન મંદિર તરફનો રસ્તો છે. જેના સમારકામ માટે અડધો ડઝનથી વધુ વખત રજૂઆતો કરવામાં આવી છે. ગાયત્રી મંદિર પાસેનો રસ્તો ખૂબ જ ગાબડાવાળો છે. તેવી જ રીતે માર્કેટિંગ યાર્ડએ દરરોજ શાકભાજીના વાહનો અને અનાજ કરીયાણાના અનેક નાના મોટા વાહનો સહીત ફ્રુટના વાહનોની અવરજવર રહે છે અને બીસ્માર રસ્તાને લીધે એ વાહનોમાં ખાડામાં પડીને સ્લીપ થાય છે અથવા પલ્ટી ખાઈ જાય છે તેથી વાહનચાલકોને ઈજા થાય છે. તેની સાથે સાથે વિરભનુની ખાંભીથી બીરલા કોલોની થઈને ઈન્દીરાનગર સુધીનો રસ્તો પણ બીસ્માર છે, ત્યાં પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂકયા છે અને ફેકટરી જતા કામદારો સહિત આ વિસ્તારના રહેવાસીઓને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે જ્યુબેલી પૂલથી બોખીરા બસ સ્ટેશન થઈને ત્રણ માઈલ તરફ જતો રસ્તો પણ ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયો છે.

યુવક કોંગ્રેસ દ્વારા આશાપુરા ચોક, ઉદ્યોગનગર વિસ્તાર, ઈન્દીરાનગર વિસ્તાર, ગાયત્રી મંદિર રોડ ઉપર ખાડામાં બેનરો લગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને તંત્રને ધ્યાન દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જીલ્લા પ્રમુખ ધર્મેશ પરમાર, એનએસયુઆઈ જીલ્લા પ્રમુખ કિશનભાઈ રાઠોડ, જીલ્લા ઉપપ્રમુખ રાહુલ ચુડાસમા, જીલ્લા ઉપપ્રમુખ આનંદ પુંજાણી, જીલ્લા ઉપપ્રમુખ દિપક ઓડેદરા, જીલ્લા મહામંત્રી દેવાંગ હુણ, જીલ્લા મહામંત્રી પોપટ મોઢવાડીયા, જીલ્લા મહામંત્રી કલ્પેશ જુંગી, જીલ્લા મંત્રી ઈરફાન બુખારી, યુવા આગેવાન અમિત મોઢવાડીયા વગેરેએ રજૂઆત કરી હતી.

(1:01 pm IST)