Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મોરવાણમાં ખનીજ ચોરી ૧ કરોડનો મુદ્દામાલ કબ્જે

વઢવાણ તા. ૧૮ : ચુડા તાલુકાના મોરવાડ ખાતે ખાણ ખનીજ વિભાગે આકસ્મિક ચેકિંગ કરીને ગેરકાયદે રીતે માટી-ખનીજનું ખનન અને વહન કરતા વાહનો ઝડપી પાડયાં હતા. તંત્રની કામગીરીથી ખનીજ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો હતો. ચેકિંગ દરમિયાન એક કરોડથી વધારેનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રીતે નદીના પટમાંથી રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. તંત્રનો કોઇ ડર ન હોય તેમાં ખનીજ માફિયાઓ બેફામપણે રેતીનું ખનન અને વહન કરી રહ્યાં છે. આ અંગે અવારનવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ અસરકારક પગલાં લેવામાં ઢીલ કરવામાં આવતી હોવાની ચર્ચાએ પણ જોર પકડયું હતું.

ચુડા તાલુકા મોરવાડ ખાતે ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રોયલ્ટી ઇન્સ્પેકટર દ્વારા ચેકિંગ દરમિયાન ચાર ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું હતું. સ્થળ પરથી મશીનરી સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યા હતો.

(12:06 pm IST)