Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ઘોઘાવદર પાસે બસે ગોથુ ખાધું: પિતૃકાર્ય માટે જતાં ૫૦ને ઇજા

પ્રાચી જઇ રહેલા જસદણના વડાળી અને કમળાપુરના કોળી પરિવારના લોકોની બસને રાતે ૩ વાગ્યે અકસ્માત નડ્યો :સાકરીયા અને મેણીયા પરિવારના લોકોએ જસદણની સ્લીપર કોચ બસ ભાડે બાંધી હતીઃ રોડ પર ખુટીયો આવી જતાં ડ્રાઇવરે કાબુ ગુમાવ્યાનું કલીનર કિશનનું કથનઃ ઘાયલો પૈકીના ૨૪ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

ગોંડલ તાલુકાના ઘોઘાવદર રોડ ઉપર પ્રાચી જઈ રહેલ ભાવિકોની બસ પલ્ટી જતા ૬૦ જેટલા લોકોને ઈજા થઈ હતી. તમામને પ્રાથમિક સારવાર માટે ગોંડલ લવાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે. તસ્વીરમાં પલ્ટી ખાઈ ગયેલ બસ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ, લોકોના ટોળા, ઈજાગ્રસ્તો નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ, અશોક બગથરીયા)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૧૮ :. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર રોડ ઉપર પ્રાચી જઈ રહેલા જસદણના વડાળી અને કમળાપુરના કોળી પરિવારના લોકોની બસ પલ્ટી જતા ૬૦ને ઈજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાત્રીના બે વાગ્યા નાં સુમારે જશદણ તરફથી આવી રહેલ જશદણનાં આઇકૃપા ટ્રાવેલ્સની જીજે.૧૪ ટી ૦૮૩૫ નંબરની લકઝરી બસ ઘોઘાવદર રોડ ઉપર ધારેશ્રર ચોકડી નજીક પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો.ઓવરલોડ મુસાફરોથી ભરેલી બસ રોડની સાઇડમાં પલ્ટી ખાઇ જતા ચીસાચીસ મચી જવાં પામી હતી.અકસ્માતની જાણ થતાં ઇમરજન્સી ૧૦૮, સહીતની એમ્બ્યુલન્સો માનવ સેવા ટ્રસ્ટનાં પ્રફુલભાઈ રાજયગુરુ,ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં પુત્ર યુવા અગ્રણી ગણેશસિહ જાડેજા, નગરપાલિકા નાં કારોબારી અધ્યક્ષ રુપીભાઇ જાડેજા, માંધાતા ગૃપ નાં આગેવાનો,પીઆઇ સંગાડા સહીત ઘટનાં સ્થળે દોડી જઇ અલગ અલગ એમ્બ્યુલન્સ દ્વારા ઘવાયેલાં મુસાફરો ને ગોંડલ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.

અકસ્માત માં ઇજાગ્રસ્તોને ગોંડલ સિવીલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.જયારે વધુ ઇજા પામેલાં વડારીનાં રઘા ધના, પંકજ રોજાસરા, ગગજી ધના,પીપળીયા નાં અમરસિંહ,વિભા વાઘા મેણીયા,કાળુ નાથા મેણીયા, અંજલી બેન સાકરીયા,અર્જુન રોજાસરા, ચંપાબેન મેણીયા, સવિતાબેન રોજાસરા સહીતના વ્યકિતઓ ને વધું સારવાર માટે રાજકોટ ખસેડાયાં હતાં.બનાવ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.સદનશીબે મુસાફરો ને નાની મોટી ઇજા પંહોચી હતી પરંતુ જાનહાની થઇ નથી.બનાવ અંગે સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટના અહેવાલ મુજબ ઘાયલ થયેલા પૈકીના ૨૪ને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં બસના કલીનર પંકજ રમેશભાઇ રાજપરા (ઉ.વ.૩૦) તથા કોળી પરિવારોના લોકો રાયધન નાનજીભાઇ સાકરીયા (ઉ.૩૦), સવજીભાઇ હમીરભાઇ (ઉ.૬૫), અંજુબેન સોમાભાઇ (ઉ.૬૦), રાયધન સોઢાભાઇ મેણીયા (ઉ.૨૫), અર્જુનભાઇ રામાભાઇ સાકરીયા (ઉ.૬૫), નાથાભાઇ હમીરભાઇ (ઉ.૭૦), ચંપાબેન દેવશીભાઇ (ઉ.૫૦), અમરશીભાઇ (ઉ.૫૫), હરદેવભાઇ (ઉ.૫૨), ચંપાબેન (ઉ.૪૯), કાનજીભાઇ (ઉ.૪૦), વીભાભાઇ (ઉ.૩૫), વસ્તાભાઇ (ઉ.૪૦), ધીરૂભાઇ (ઉ.૫૦), વાલજીભાઇ (ઉ.૩૫), સમજુબેન (ઉ.૬૫), મનસુખભાઇ (ઉ.૩૫), નિલમબેન (ઉ.૪૫), લઘરાભાઇ (ઉ.૩૫), સવિતાબેન (ઉ.૩૫), સોમાભાઇ (ઉ.૪૨), પથાભાઇ (ઉ.૩૯), લખીબેન (ઉ.૪૫), સવાભાઇ (ઉ.૫૫), અંજુબેન (ઉ.૩૦) તથા ગાબજીભાઇ (ઉ.૫૦)નો સમાવેશ થાય છે.

કલીનર પંકજના જણાવ્યા મુજબ સ્લીપર કોચ બસ જસદણના આઇકૃપા ટ્રાવેલ્સની છે. આ બસના ડ્રાઇવર વાઘજીભાઇ કુરજીભાઇ કોળી છે. અચાનક રોડ પર ખુટીયો આવી જતાં ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો.

જસદણના વડાળી અને ચોટીલાના લાખચોકીયાના સકરીયા અને મેણીયા (કોળી) પરિવારના ૬૦થી વધુ લોકો સોમનાથના પ્રાચી તિર્થસ્થાને પિતૃકાર્ય કરવા જવા માટે આ બસ ભાડેથી બાંધી હતી. મોડી રાતે બસ રવાના થઇ હતી અને ગોંડલના ઘોઘાવદર પાસે પલ્ટી મારી ગઇ હતી. તમામને ઇજાઓ થતાં ગોંડલ હોસ્પિટલમાં અને ત્યાંથી ૨૪ને રાજકોટ ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડ અને જયમીનભાઇ પટેલે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

(10:17 am IST)