Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે

વિજયભાઈ રૂપાણી દ્વારા 'સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના' અંતર્ગત વધુ બે પગલાનું ઈ-લોકાર્પણ : ધ્રોલ ખાતે રાજુભાઈ ધ્રુવના અધ્યક્ષસ્થાને કાર્યક્રમઃ ૨૦૮ ખેડૂતોને મંજૂરી પત્રો એનાયત

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગતના વધુ બે પગલાં પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયના નિભાવ ખર્ચની સહાય યોજના અને જીવામૃત માટે કીટ સહાય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતના ખેડૂતો શૂન્ય લાગત સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ કરતી પ્રાકૃતિક ખેતી તરફ પગરણ માંડે તે માટે રાજય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે આવશ્યક દેશી ગાય માટેના નિભાવ ખર્ચ માટે માસિક રૂ. ૯૦૦, વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. તો પ્રાકૃતિક ખેતીમાં જીવમૃતનું અતિ મહત્વ છે ત્યારે સરકાર દ્વારા જીવામૃત બનાવવા માટેની કીટ જેમાં ૧ ડ્રમ, પ્લાસ્ટિકના ર ટબ, ૧ ડોલ જેવી સામગ્રીની સહાય આપવામાં આવશે.

આ લોકાર્પણ પ્રસંગે ધ્રોલ ખાતેના કાર્યક્રમમાં ૭૫ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચની સહાય અને ૩૦ ખેડૂતોને જીવામૃત બનાવવા માટેની કીટની સહાયના મંજૂરીપત્ર એનાયત કરાયા હતા. લાલપુર ખાતે યોજાયેલા લાલપુર, જામજોધપુર અને કાલાવડ તાલુકાના કલસ્ટરના કાર્યક્રમમાં ૭૭ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચની સહાય અને ૨૬ ખેડૂતોને જીવામૃત બનાવવા માટેની સહાયના મંજૂરીપત્ર એનાયત કરાયા હતા. જામનગર જિલ્લાના કુલ ૧૫૨ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ તેમજ ૫૬ ખેડૂતોને જીવામૃત બનાવવાની કીટની સહાયના મંજૂરીપત્રો એનાયત કરાયા હતા.  'આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ'નાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા. જેમાં એક રાજય કક્ષા, ત્રણ જિલ્લા કક્ષા અને ત્રણ તાલુકા કક્ષાના એવોર્ડ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

પ્રાકૃતિક ખેતી માટે ગાય નિભાવ ખર્ચની સહાય યોજના અને જીવામૃત કીટ સહાય યોજનાઓના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગાયને આપણા શાસ્ત્રમાં કામધેનુ કહે છે, અગાઉ થતી કેમિકલયુકત ખેતીના કારણે જમીન બંજર બની છે અને લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે ત્યારે લોકો સ્વસ્થ બને તે માટે કામધેનુથી પ્રકૃતિ તરફ વળી પ્રાકૃતિક ખેતી તરફ ગુજરાતના ખેડૂતો વળે, તો વાસ્તવમાં જગતના તાત બની, સારૃં ખાતર, સારૃં બીજુ મેળવી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન કરી સ્વસ્થ પાક ઉત્પન્ન કરી અનેક લોકોને તંદુરસ્ત બનાવવામાં ખેડૂતો અગ્રીમ બનશે.

આ પ્રસંગે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને સંબોધન કરી જણાવ્યું હતું કે, ભારતના ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોએ ઝોક દેવો જોઈએ.

આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન શ્રી રાજુભાઇ ધ્રુવે ગુજરાતના ખેડૂતની ખુમારી અને ખમીરને બિરદાવી કહ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત અતિ પરિશ્રમી છે પરંતુ અગાઉ ખેતી માટે અતિ જરૂરી વીજળી અને પાણી ની સમસ્યા હતી . જે આવશ્યકતા ભાજપ સરકારે પૂર્ણ કરી છે. નર્મદાનું પાણી ગામડે ગામડે પહોંચાડી આજે પીવા ના પાણી સમસ્યા ભૂતકાળ બની ગઈ છે.નર્મદા બંધ,સુજલામ સુફલામ,ચેકડેમ તલાવડા દ્વારા જળસંચય કરી ગુજરાતના ખેડૂતોના ખેતરે પાણી પહોંચાડવા નું કામ ગતિ માં છે.

આ કાર્યક્રમમાં બિનઅનામત બોર્ડના ચેરમેન શ્રી બી.એમ.ઘોડાસરા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી વીપીન ગર્ગ, પુર્વ ધારાસભ્યશ્રી મેદ્યજીભાઈ ચાવડા, ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભીમજીભાઈ મકવાણા, ધ્રોલ ના પ્રાંત અધિકારી શ્રી હેતલ જોશી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નવલભાઇ મુંગરા, તાલુકા વિકાસ અધિકારીશ્રી મહિપતસિંહ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડઢાણીયા, કૃષિ વૈજ્ઞાનિકશ્રી ડો. કે.પી. બારૈયા વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:50 pm IST)