Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પૂ.મોરારીબાપુની ઇ-કથા ગીરનાર ઉપર યોજાશે ?

સર્વેની કામગીરીનો ધમધમાટ : જો કથા યોજાશે તો 'શ્રોતા વિનાની' પૂ. મોરારીબાપુની આ પાંચમી રામકથા હશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૮ : પ્રખર રામાયણી સંતવર્ય પૂ.શ્રી મોરારીબાપુની આગામી રામકથા ગિરનાર પર યોજાવાની શકયતા જોવાઇ રહી છે.

જયાં તેત્રીસ કરોડ દેવતા, નવ નાથ, ચોયાર્સી સિદ્ધનો વાસ છે એવા પર્વતા બિરાજ ગરવા ગિરનાર પર કમંડલ કુંડની જગ્યા ખાતે પૂ. શ્રી મોરારીબાપુની આગામી રામકથા યોજાય તેવી શકયતા છે.

જોકે પ્રત્યક્ષ શ્રોતા વિનાની પૂ.શ્રી બાપુની આ પાંચમી રામકથા હશે. અગાઉ શ્રી મોરારીબાપુએ તલગાજડા ખાતે રામ મંદિર, હનુમાન મંદિર, ત્રિભુવન કુટીયા પાસે ઉપરાંત સેંજળમાં તેમના ગુરૂ સ્થાન જ્ઞાન સ્વામીબાપાની સમાધિ પાસે એક પણ શ્રોતા વગર રામકથા કરી છે.

હવે ગિરનાર પર આગામી દિવસોમાં પૂ. શ્રી બાપુ રામકથા કરે તેવી શકયતા છે અને આ માટે ગિરનાર પર્વત સ્થિત કમંડલ કુંડની જગ્યા પસંદ કરવા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ખાસ કરીને વીજ પુરવઠો, કથાના દિવસો દરમ્યાન રોકાણ, ભોજન સાઉન્ડ અને અન્ય વ્યવસ્થા કેવી રીતે ઉપલબ્ધ થઇ શકે તે માટે સર્વે ચાલી રહ્યો છે.

તેમજ સહકાર ઉપરાંત ગિરનાર મંડળના સંતો-મહંતોની મંજૂરી મળ્યા બાદ જ સર્વ સમંતીથી પૂ.શ્રી મોરારીબાપુ આ મામલે આગળ વધશે.

જો બધી રીતે શકય બંને તો શરદપૂનમની આસપાસના દિવસોમાં રામકથાનું આયોજન કરવામાં આવે તેવી શકયતા જોવાઇ રહી છે..

(3:24 pm IST)