Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ગિરનાર રોપ-વેની ટ્રાયલ માટે તૈયારીઓનો ધમધમાટ

નરેન્દ્રભાઇ મોદીનાં ડ્રીમ પ્રોજેકટની કામગીરી અંતિમ તબકકામાં ઓસ્ટ્રીયાના ૬ નિષ્ણાંતોની ટીમનું આગમન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૮ : મહત્વકાંક્ષી પ્રોજેકટ ગીરનાર રોપ-વેની ટ્રાયલ માટેની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. અને આ માટે ઓસ્ટ્રિયાના છ નિષ્ણાંતોએ ટીમ જુનાગઢ આવી પહોંચી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ ગિરનાર રોપ વેની કામગીરી અંતિમ તબકકામાં છે અને  જુનાગઢના આઝાદી દીન ૯ નવેમ્બરના રોજ ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ પણ થઇ રહી છે.

દરમિયાન રોપ-વેનું ઘણૂ ખરૂ કામ પુર્ણ થવામાં હોય તેથી ઉષા બ્રેકો કંપનીએ ટ્રોલીની ટ્રાયલ માટે નિષ્ણાંતોને બોલાવેલ છે જે મુજબ ઓસ્ટ્રિયાના છ નિષ્ણાંતોની ટીમ બુધવારે  જુનાગઢ ખાતે આવી પહોંચી અને હાલ આ નિષ્ણાંતો એક હોટેલમાં રોકાયેલ છે સંભવત આજે આ નિષ્ણાંતો રોપ-વે સાઇટની મુલાકાતે પહોંચે તેવી શકયતા છે.

એમ જાણવા મળેલ છે કે, આ ટીમ ગિરનાર રોપ-વેની આખરી ટ્રાયલ કર્યા બાદ જ પરત જશે ત્યાં સુધી જુનાગઢ ખાતે રોકાણ કરશે.

પરંતુ કોરોના થાય નહિ તે માટે ઓસ્ટ્રિયાના નિષ્ણાંતો જુનાગઢના રોકાણ દરમિયાન સ્થાનીક કોઇપણને ન મળવાની અને કોઇને નજીક ન આવવા દેવાની શરતે આવ્યા હોવાનું સુત્રોનું કહેવું છે.

આમ ગિરનાર રોપ-વેની ટ્રાયલ માટેની તૈયારીઓ શરૂ થતા પર્યટકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

(12:53 pm IST)