Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જામનગર ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું લોકાર્પણ

જામનગર, તા.૧૮: ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું આજ રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ગુજરાતના ૧ લાખ લાયેબીલીટી એન્ડ અર્નીંગ ગ્રુપ બનાવવામાં આવશે. જેમાં એક ગ્રુપમાં ૧૦ બહેનો આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં જોડાશે. આમ આ યોજના થકી ગુજરાતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઇ-લોન્ચિંગ કર્યું હતું. જેમાં જામનગર ખાતે આ યોજનાના લોકાર્પણ પ્રસંગે શહેરમાં ૭ સ્વસહાય જુથની લોન મંજૂર થઈ કરવામાં આવી હતી, જેના માટે જામનગરની વિવિધ ક્રેડિટ સોસાયટીઓ- સહકારી બેંકો સાથે એમ.ઓ.યુ કર્યા હતા અને આ સાત સ્વસહાય જુથોને ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લોન મંજૂર અંગેના પત્રોની ફાઈલ સોંપવામાં આવી હતી.

જામનગર ખાતેના આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રીશ્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર અનેક યોજનાઓ લાવી લોકોને સહાય રૂપ બની રહી છે. કોરોનાના કાળમાં આ લડાઈ જીતવા માટે સક્ષમ બનાવવાની આવશ્યકતા છે ત્યારે આત્મનિર્ભર પેકેજ અંતર્ગત દરેક બહેનો આત્મનિર્ભર બનવા, માનસિક અને શારીરિક રીતે સક્ષમ બનવા આ કોરોનાના કાળમાં પણ સંદ્યર્ષ કરી રહ્યા છે. આ યોજના થકી મહિલાઓએ પગભર થવાનો પ્રયાસ કરવાનો છે. મહિલાઓ સશકત બને પરિવારને સક્ષમ બનાવે તે માટે મહિલાઓને આત્મનિર્ભર બનવું જરૂરી છે. આ યોજના થકી મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના દ્યરને, સમાજને આગળ વધારી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકશે તેમ પુર્વ મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચા, દંડક  જડીબેન સરવૈયા, કમિશનરશ્રી સતીશ પટેલ, ડેપ્યુટી કમિશનર વસ્તાણી, અન્ય કોર્પોરેટરશ્રીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:44 pm IST)