Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ભુજની કોવિડ હોસ્પિટલમાં આગના છમકલાને પગલે ભય : નવા ૩૦ કેસ સાથે કોરોનાની રોકેટ ગતિ

કોંગ્રેસ અગ્રણી રવિન્દ્ર ત્રવાડીએ મિટીંગોમાં વ્યસ્ત તંત્ર સમક્ષ કચ્છમાં કોરોનાથી થયેલા મોત અને પોઝિટીવ દર્દીઓની સાચી માહિતી જાહેર કરવા માંગ કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૮ : કચ્છમાં કોરોનાના નવા પોઝિટિવ કેસ અને મોતની સંખ્યા રોકેટ ગતિએ વધી છે. તંત્રના જ આંકડા જોઈએ તો નવા ૩૦ કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા વધીને ૧૭૨૦ થઇ છે. જયારે એકિટવ કેસ પણ વધીને ૩૨૭ ઉપર પહોંચ્યા છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૨૯૫ થઈ છે. સરકારી ચોપડે મરણાંક ૫૬ છે. પણ, એકિટવ કેસ ૩૨૭ અને સાજા થનાર દર્દીઓ ૧૨૯૫ બંનેનો સરવાળો ૧૬૨૨ થાય છે. જે કુલ કેસ ૧૭૨૦માથી ૧૬૨૨ બાદ કરીએ તો ૯૮ દર્દીઓની ઘટ આવે છે. આમ કોરોનાએ કચ્છમાં ૯૮ માનવ જિંદગીઓનો ભોગ લીધો હોવાની પ્રબળ આશંકા છે. દરમ્યાન કચ્છના વહિવટીતંત્ર સમક્ષ અગાઉ વિવિધ કોંગ્રેસી આગેવાનોએ કોરોના સબંધીત સાચી માહિતી જાહેર કરવાની માંગણીને ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસના મંત્રી રવિન્દ્ર ત્રવાડીએ દોહરાવી છે.

'અકિલા' સાથે વાત કરતા કચ્છના યુવા કોંગ્રેસી અગ્રણી રવિન્દ્ર ત્રવાડીએ જણાવ્યું હતું કે, ભુજની કોવિડ હોસ્પિટલમાં થયેલ આગના છમકલાની ઘટના ચિંતાજનક છે. શોર્ટ સરકીટથી લાગેલ આગે વધુ કોઇ જાનહાનિ ન સર્જી તે દર્દીઓના સદનસીબ છે. પણ, આ બનાવની તપાસ કરી ભવિષ્યમાં અમદાવાદ, સુરત જેવી ઘટના ન બંને તે તંત્રઅઙ્ખ ધ્યાન રાખવું જોઈએ. જોકે, કચ્છમાં આરોગ્ય કમિશનર, પ્રભારી સચિવ અને રાજયમંત્રી મીટીંગોમાં વ્યસ્ત રહેવાને બદલે કોરોનાની સારવારમાં રહેલી ત્રુટિઓ દુર કરે અને કોરોના સબંધીત સાચી માહિતી જાહેર કરે જેથી પારદર્શક વહીવટની ખાત્રી થાય. અત્યારે પ્રજામા કોરોના સબંધીત ઉભો થયેલો ડર અને ચિંતાનો માહોલ દુર કરવો જરૂરી છે.

(1:36 pm IST)