Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ભાવનગરમાં ૫૫, બોટાદમાં ૯ કેસ : ગોંડલના વધુ ૪ એસ.ટી. કર્મચારીને કોરોના

મોરબીમાં ૨૬ કેસ : માળીયામિંયાણા મામલતદાર કચેરી ૧૦ દી' માટે બંધ : એડીયામાં પણ વધી રહેલા સંક્રમણથી ચિંતા : જામકંડોરણા તાલુકામાં વિસ્ફોટઃ એકજ દિ'માં ૧૦ દર્દીઃ નવા ૨૬ કેસ આવતા ધોરાજીમાં કોરોનાનું ૯ મી સદિ તરફ પ્રયાણ

રાજકોટ,તા. ૧૮: સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસ સતત ફેલાઇ રહ્યો છે અને અટકવાનું નામ નથી લેતો ત્યારે ભાવનગર જીલ્લામાં વધુ ૫૫ અને બોટાદ જીલ્લામાં ૯ કેસ નોંધાવા પામ્યા છે.

ગોંડલ એસ.ટી. ડેપોમાં ચાલી રહેલા ટેસ્ટીંગમાં વધુ ૪ કર્મચારીઓને કોરોના જોવા મળ્યો છે તો જામકંડોરણા તાલુકામાં વિસ્ફોટ થયો હોય તેમ એક જ દી'માં ૧૦ દર્દી નવા આવ્યા છે.

બીજી તરફ નવા  ૨૬ કેસ સાથે ધોરાજીમાં કોરોનાના દર્દીઓના આંક નવમી સદિ તરફ પ્રયાણ કરી રહ્યો છે. જોડીયામાં પણ સંક્રમણ વધી રહ્યું છે જ્યારે માળીયા મિંયાણાની મામલતદાર કચેરી ૧૦ 'દી માટે બંધ રાખવામાં આવી છે.

ભાવનગરમાં ૫૩ દર્દીઓર્ કોરોનામુકત

ભાવનગરઃ જિલ્લામાં વધુ ૫૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૬૫૮ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૨૨ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૩૧ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા  વરતેજ ગામ ખાતે ૨, ખડસલીયા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના લાકડીયા ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, મહુવા ખાતે ૨, પાલીતાણા ખાતે ૧, પાલીતાણા તાલુકાના પાંચપીપળા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૫, સિહોર તાલુકાના મઢડા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૨, ગારીયાધાર ખાતે ૧, તળાજા ખાતે ૩, ઉમરાળા ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રાજસ્થળી ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૬૫૮ કેસ પૈકી હાલ ૪૨૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૧૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૫૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.

બોટાદ

બોટાદ : શહેરના મોટિવાડીમાં ૨૯ વર્ષીય પુરૂષ, હિફલીમાં ૭૩ વર્ષીય પુરૂષ, તુલસીનગર ૧માં ૨૫ વર્ષીય પુરૂષ, ભીમનગરમાં ૪૫ વર્ષીય પુરૂષ, મારૂતિ નગરમાં ૫૫ વર્ષીય પુરૂષ, મોટા પાળીયાદ ગામે ૩૧ વર્ષીય પુરૂષ, તુરખા ગામે ૩૦ વર્ષીય પુરૂષ અને રોહિશાળા ગામે ૭૦ વર્ષીય પુરૂષ તેમજ રાણપુરના નાગનેસ ગામે ૬૫ વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

ગોંડલ

ગોંડલ એસ ટી ડેપો ખાતે સતત બીજા દિવસે કોરોના કેસ નોંધાયા છે.

બીજા દિવસે ૧૪૧ કર્મચારીઓ ના કરાયેલ ટેસ્ટ માંથી ૪ કર્મચારી પોઝિટીવ આવ્યા છે.

ગઈકાલે પણ ૧૧૨ કર્મચારીઓ માંથી ૫ કર્મચારીઓના ટેસ્ટ પોઝીટીવ આવતા બે દિવસમા ૯ કર્મચારી પોઝીટીવ આવતા એસ ટી તંત્રમા ફફડાટ વ્યાપી ગયો છે.

અગાઉ પણ ૭ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયેલ હતા અને  અત્યાર સુધી મા ૧૬ થી વધુ એસ ટી કર્મચારીઓ કોરોના સંક્રમણથી પ્રભાવિત થયા છે.

જામકંડોરણા

જામકંડોરણાઃ તાલુકામાં ગઇ કાલે ગુરૂવારે એક જ દિવસમાં નવા ૧૦ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં તાલુકામાં સાતોદડ ગામે ૭ કેસ, મોટા ભાદરા ગામે ૧ કેસ, દુધીવદર ગામે ૧ કેસ, ચિત્રાવડ ગામે ૧ કેસ એમ એક જ દિવસમાં કુલ ૧૦ કેસ નોંધાયા હતા. આ સાથે જામકંડોરણા તાલુકા અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ કેસનો આંક ૧૪૨ પર પહોંચ્યો છે. આ કોરોના મહામારીમાં જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફીસર ડો.સમીર દવે દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે કે કોઇ પણ વ્યકિતને કોરોનાના લક્ષણ જેવા કે તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુઃખાવો જણાય કે તુરંત જ આરોગ્ય કેન્દ્રમાં નિદાન કરાવવું અને પોઝીટીવ કેસમાં શકય હશે તો ઘરે જ સારવાર મળી રહેશે. આ નિદાન જામકંડોરણામાં સી.એચ.સી. ચિત્રાવડ, રાયડી, સાતોદડ, ધોળીધારમાં પી.એચ.સી. તેમજ ચાવંડી, બરડીયા, જામદાદર, ખજુરડા, બાલાપર, બોરીયા, રાયડી, સનાળા, દુધીવદર, સોડવદર, સાજડીયાળી ખાતે આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર પર તેમજ તમામ સ્થાનો પર ધનવંતરી રથમાં કોરોના પરીક્ષણ થઇ શકશે. જેથી જરૂર જણાયે તાત્કાલીક નિદાન કરાવી લેવા અનુરોધ કરવામાં આવેલ છે તેમજ માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ, સેનીટાઇઝનો અમલ કરવાની અપીલ કરવામાં આવેલ છે.

ધોરાજીમાં ટોટલ ૮૯૩ કેસ

ધોરાજીઃ ધોરાજીમાં કોરોના એ ભરડો લીધો છે ત્યારે દરેક ઘર ચિંતિત છે કારણકે નિવાસ્થાન ની બિલકુલ બાજુ માં કોરોના પોઝિટિવ હોય છે આવા સમય લોકોને જાગૃત રાખવાની બદલે ધોરાજી આરોગ્ય વિભાગની ટીમે પોઝિટિવ દર્દીઓ ના નામ આપવાનું તો બંધ કર્યું પણ પોઝિટિવ દર્દીઓનો વિસ્તાર અને આંકડા ટોટલ આપવાનું બંધ કરી દેતા ધોરાજીમાં રોષ વ્યાપી ગયો હતો.

ધોરાજીમાં બિન સત્ત્।ાવાર રીતે આ આંકડો મળતા કોરોના પોઝિટિવ ના ૨૬ કેસ નોંધાયા હતા અને ટોટલ આંકડો ૮૯૩ ઉપર પહોંચ્યો છે આજ સાંજ સુધીમાં નવમી સદી પૂરી કરી ને ધોરાજી કોરોના નો વિસ્ફોટ ૧૦૦૦ કેસ તરફ જઈ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગની નબળી કામગીરી ઢાંકવા બાબતે મીડિયાને પણ સાચી માહિતી આપવાનું બંધ કરી દીધું છે.

વાસ્તવમાં જો ખરેખર ધોરાજીમાં કોરોના ના કેટલા કેસ થઈ રહ્યા છે અને કયા વિસ્તારોમાં છે અને એમનું નામ શું છે જો એ પ્રસિદ્ઘ કરવામાં આવે તો સ્વયંભૂ લોકો જાગૃત બની શકે અને એ કોરોના સંક્રમણ થી તેઓ દૂર રહી શકે પરંતુ ખાનગી નામ રાખવાથી અને વિસ્તાર નું પણ નામ નહીં જાહેર કરવાથી લોકોમાં કોરોના પોઝિટિવ ચેપ લાગતાં વાર નથી લાગતી તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓ અને સંક્રમિત તો ફરી રહ્યા છે છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહી છે તે ધોરાજી માટે ઘણી દુઃખની બાબત છે.

જોડિયા

જોડિયા : દેશમાં કોવિડ-૧૯ની સરકારની ગાઇડ લાઇન જાહેર હોવા છતાં લોકો તેનું પાલન કરતા નથી. જેના કારણે લોકો કોરોનાના સંક્રમણના શિકાર બની રહ્યા છે. લોકડાઉન દરમ્યાન જોડિયા વિસ્તાર કોરોનાના સંક્રમણથી સુરક્ષિણ રહ્યુ, પરંતુ 'અનલોક' પછી છુટછાટ મળતા લોકો પોતાના સ્વસ્થ માટે બેદરકાર બન્યા જેથી હવે જોડિયા વિસ્તારના લોકો કોરોના ગ્રસ્ત થઇ રહ્યા છે.

આ પહેલા સરદાર સોસાયટી લક્ષ્મીપરા, જલારામ, સોસાયટી, ગઇ કાલે બારીશેરી વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસ આપસૂલેટ કરવામાં આવેલ છે. અમુક તો કોરોના સંક્રમણ લોકોને પછસ સ્વસ્થ લાભ મેળવી ચુકયા છે. જ્યારે બાકીના લોકોનું કોરોના સંદર્ભ પ્રતિદિન આરોગ્ય તંત્ર દ્વારા ચેકઅપનું રૂટીન ઘરે -ઘરે જઇને કરી રહ્યા છે. અત્યાર સુધી જોડિયા વિસ્તારમાં એક વૃધ્ધ કોરોનાથી મૃત્યુ પામેલ છે.

મોરબી જીલ્લામાં ૨૫ દર્દીઓ ડીસ્ચાર્જ

મોરબીઃ જીલ્લામાં નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૮ કેસમાં ૦૬ ગ્રામ્ય અને ૧૨ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૩ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૩ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં જયારે ટંકારાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૬ કેસો નોંધાયા છે તો આજે વધુ ૨૫ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૧૪૦૬ થયો છે જેમાં ૨૫૬ એકટીવ કેસ છે જયારે ૧૦૮૨ દર્દીઓ સ્વસ્થ થયા છે.

કોરોનાનો પગપેસારો માળિયા મામલતદાર કચેરીમાં પણ થયો હોય અને મામલતદાર કચેરીના એક ઓપરેટર, બે રેવન્યુ તલાટી તેમજ એક કલાર્ક કોરોના સંક્રમિત થયા હોય જેથી કચેરીમાં કામ માટે આવતા અરજદારોમાં સંક્રમણ ના ફેલાય તે માટે કચેરીને સેનેટાઈઝ કરવામાં આવી છે અને તા. ૨૫ સુધી બંધ રાખવાનું નક્કી કરાયું છે તેમ માળિયા મામલતદાર ડી સી પરમારે જીલ્લા કલેકટરને પત્ર પાઠવી જણાવ્યું છે.

(2:28 pm IST)