Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરી સામે કાર્યવાહીની કુંવરજીભાઇની માંગણી

કોરોના મહામારીમાં વ્હાલા - દવલાની નીતિ સામે આરોગ્યમંત્રીને રજુઆત કરતા રાજકીય ગરમાવોઃ આ અગાઉ જસદણના આરોગ્ય અધિકારી ડો.રામ સામે ફરિયાદ થઇ'તી પરંતુ કોઇ પગલા ન લેવાયા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૮ : જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ભંડેરીની કામ કરવાની પધ્ધતિ અને હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં વ્હાલા-દવલાની નીતિ સામે કુંવરજીભાઇ બાવળીયાને થયેલ રજુઆતના સંદર્ભમાં કુંવરજીભાઇઆરોગ્ય મંત્રીને લેખીત જાણ કરી ભંડેરી સામે યોગ્ય કરવા માંગણી કરતા જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવી રહયો છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ આજે જીલ્લાના અને જસદણ પંથકના અમુક આગેવાનો દ્વારા કુંવરજીભાઇ બાવળીયાને ભંડેરીની કાર્ય કરવાની પધ્ધતિ અને વ્હાલા-દવલાની નીતિ સામે યોગ્ય કરવા રજુઆત કરી હતી.

કુંવરજીભાઇએ રજુઆત સાંભળ્યા બાદ આરોગ્યમંત્રીને લેખીતમાં પત્ર લખી યોગ્ય કહેતા ભાજપનાં જ કેબીનેટ મંત્રી દ્વારા અધિકારી સામે યોગ્ય કરવા કહેતા જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે જીલ્લા આરોગ્ય અધિકારી સામે અગાઉ પણ અનેક વખત જીલ્લા પંચાયતનાં અમુક સભ્યો દ્વારા રજુઆતો થઇ છે. પરંતુ જીલ્લા ભાજપના એક ટોચના આગેવાનો આરોગ્ય અધિકારી ડો. ભંડેરી  ઉપર ચાર હાથ હોય તેઓ પોતાની મનમાની કરે છે.

અગાઉ પણ કુંવરજીભાઇ સહિતનાએ ડો. ભંડેરી સામે યોગ્ય કરવા રજુઆતો કરી હોવા છતા કોઇ જ પગલા ન લેવાતા હાલ જીલ્લાના રાજકારણમાં ગરમાવો છવાઇ ગયો છે.

ઉલ્લેખનીય  છે કે જસદણના આરોગ્ય અધિકારી ડો. રામ સામે અગાઉ જીલ્લા પંચાયતના સદસ્યો દ્વારા અનેક આક્ષેપો થયેલા તેની તપાસ જીલ્લાનાં જ આરોગ્ય ખાતાના અધિકારીને ડી.ડી.ઓ.એ સોંપીહતી. તપાસનીય અધિકારીએ જસદણ આરોગ્ય અધિકારી સામે ધગ ધગતો રીપોર્ટ આપ્યો હોવા છતાં જીલ્લા આરોગ્ય અધિકારીના આર્શીવાદથી આજ સુધી ડો. રામ સામે પણ કોઇ જ કાર્યવાહી ન થઇ હોય આ બનાવે પણ ચર્ચા જગાવી છે.

જસદણમાં હાલ કોરોનાના રોજે રોજ અનેક કેસો આવી રહયા છે. ત્યારે ડો. રામ યોગ્ય કાર્યવાહી ન કરતા હોવાની અનેક ફરીયાદો સામે આવી છે. ત્યારે સ્થાનિક નેતાઓએ પણ મૌન ધારણ કરી લેતા પ્રજામાં ભારે રોષ છવાઇ ગયો છે.

હાલ તો જીલ્લા આરોગ્ય અધિકારી સામે જીલ્લાના જ કેબીનેટ મંત્રીએ યોગ્ય કરવાનું કહેતા જીલ્લા ભાજપમાં ગરમાવો આવી ગયો છે. જીલ્લા ભાજપનાં જ ટોચના આગેવાનોના ભંડેરી સાથે ચાર હોય આ બાબતે શું થાય છે. તેવી ચર્ચા હાલ જીલ્લા ભાજપમાં ચાલે છે.

(11:51 am IST)