Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોના કાળમાં ૮ ધારાસભ્ય બેઠકની ચૂંટણી કરવી યોગ્ય નથી : ભીખાભાઇ બાંભણીયા

ચૂંટણી પંચ અને સરકારે વિચારવું જોઇએ : પૂર્વ ધારાસભ્યની માંગણી

રાજકોટ,તા. ૧૮: જસદણનાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે, હાલની કોરોનાની પરિસ્થિતીમાં ધારાસભાની ચૂંટણીે કરવી કેટલા અંશે વ્યાજબી છે એ ચૂંટણી પંચે તથા સરકારી વિચારવાની જરૂર છે. દેશમાં તેમ જ દરેક રાજ્યોમાં કોરોનાના કેસ વધતા જાય છે. તથા મૃત્યુ દરમાં પણ વધારો થતો જાય છે તેવા સંજોગોમાં ચૂંટણીઓ કરવીએ કોઇ પણ રીતે હિતાવહ નથી.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતની વાત કરીએ તો ૮ ધારાસભ્ય મતવિસ્તારની પેટા-ચૂંટણી થવાની છે. આ પેટા ચૂંટણીઓ અડકીયા-દડકીયા (પક્ષપલટુઓ) માટે જ થવાની છે. ખરેખર તો પેટા ચૂંટણી હોવી જ ન જોઇએ. મુદત પુરી થયા પહેલા પોતાના સ્વાર્થ માટે રાજીનામુ  આપી પક્ષપલટો કરનારા માટે ૬ થી ૭ વરસ સુધી ચૂંટણી લડી શકે નહિ તેવી જોગવાઇ કરવી જોઇએ. પક્ષ પલટાનું/ રાજીનામાનું તથા ખરીદ વેંચાણનું દૂષણ મટાડવા માટેનો આ જ એક ઉપાય છે.

ચૂંટણીપંચે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવા માટે જે ગાઇડલાઇન આપી મંજૂરી આપી છે. તે કોઇ પણ સંજોગોમાં અસરકારક નથી. ચૂંટણી ફકત ધારાસભ્યોને તક આપવા માટેની જ વ્યવસ્થા છે. પ્રજાને કોઇ ફાયદો થવાનો નથી. ચૂંટણીમાં જે રીતે વ્યવસ્થા કરવાની થાય છે તે જોતા બહુ મોટો બોજો પ્રજા ઉપર પડવાનો છે જેથી થોડા સમય માટે ચૂંટણીઓ મોડી કરવાથી કોઇ ઉંધુંૅ વળી જવાનું નથી.

ડીસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું, ઘર બહાર નીકળવું મતદાન મથકે એકઠા થવું વિગેરેની મુશકેલી મતદારો, કર્મચારીઓ, કામમાં રોકાયેલા સ્ટાફને (કોરોનાના ભય વચ્ચે) ભોગવવાની થશે અને મતદાન કરવાની ફરજ પડશે. કોઇ રાજ્યની ધારાસભાની મુદત પુરી થયે વધારી શકાતી હોય તો મુદત વધારવી જોઇએ કારણે કે આપણે તો કોઇ પણ રીતે નવા કે જૂના ધારાસભ્યો જોઇએ છે મુદત વધારવાની જોગવાઇ ન હોય તો રાષ્ટ્રપતિ શાસન (થોડા સમય માટે) લાદવું જોઇએ. ચૂંટણીઓ તથા પેટાચૂંટણીઓ મુલતવી રાખવી જોઇએ.

ધારાસભ્યો પ્રજા માટે કેટલી કામગીરી કરે છે તે સૌ કોઇ જાણે છે. હાલની કોરોનાની મહામારીમાં થતી હાડમારી, મોંઘવારી,અન્યાય, મંદીના વાતાવરણને લીધે ઉભી થયેલી પરિસ્થિતી વિષે કોઇ પણ પ્રકારનું સામુહિક પ્રજા લક્ષી કાયમી ઉકેલ માટેનું આયોજન થતુ નથી. દરેક વર્ગ કે સમાજની મુશ્કેલ પરિસ્થિતીમાં વધારો ન થાય તે માટે સરકાર અને ચૂંટણીપંચે લોકોના હિતમાં ચૂંટણીઓ મુલતવી રાખવા માટે ફેર વિચારણા કરે એ જરૂરી છે.તેમ પૂર્વધરાસભ્ય ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે.

(11:45 am IST)