Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમરેલીના ઠેબી ડેમે જળપૂજન વિધી સંપન્ન

અમરેલી, તા., ૧૮: રાજયભરમાં ઉજવાય રહેલા નમામી દેવી નર્મદે મહોત્સવ પ્રસંગે અમરેલીના ઠેબી ડેમ ખાતે જળપૂજન અને નર્મદા ઉત્સવને ઉમળકાભેર આવકારતા જિલ્લાના પ્રભારી અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાતના સર્વાગી વિકાસમાં નર્મદા મૈયાનો મહિમા ખુબજ મહત્વનો ગણાવ્યો હતો.તેમણે જળપૂજન કરીને નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે ત્યારે આ ઘડીને એતિહાસિક ઘડી ગણાવી હતી.

મંત્રીશ્રી જાડેજાએ આ તકે વધુમાં જણાવ્યું હતું કે યોગાનુયોગ આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ છે અને નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે. ત્યારે ગુજરાત અને દેશના વિકાસની નવી દિશાઓ ખુલી છે.આગામી સમયમાં ખેતી ,ઉદ્યોગ અને પીવાના પાણી બાબતે ગુજરાત રાજય વધુ સમૃધ્ધ બનશે તે બાબત આપણા સૌ માટે ખુબજ મહત્વની છે. મંત્રીશ્રી જાડેજાએ સૌરાષ્ટ્ર વિસ્તારને ચાર જેટલી લીંક દ્રારા પાણી આપવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.તેનું ટુંક સમયમાં પરિણામ આવશે અને ગુજરાતમાં કયારેય પાણીની અછત નહી રહે તેવી આશા વ્યકત કરી હતી તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વાસ્થ્ય ,સ્વચ્છતા,પાણીનો બચાવ અને વૃક્ષા રોપણના અભિયાનમાં સૌને સહભાગી થવા તેમણે અપીલ કરી હતી.

આ તકે મંત્રીશ્રી જાડેજાના હસ્તે જરૂરીયાત મંદોને માં અમૃતકાર્ડ તેમજ આંગણવાડીની બહેનોને સી.એ.એસ. મોબાઇલ અર્પણ કરવામાં આવ્યા હતા. સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યુ હતું કે, હવે કોઇ ડેમ કયારેય ખાલી રહેશે નહી નર્મદાના નિર સૌની યોજના દ્રારા અમરેલી જિલ્લાના ડેમોને આગામી સમયમાં પૂર્ણ કદે ભરવાની સવલત ઉભી

થશે.જેને કારણે પીવાનું ,ખેતીના પાણીની અછત કાયમીધોરણે નિવારી શકાશે.તેમણે વડાપ્રધાનશ્રીના વૃક્ષારોપણ,જળબચાવો અભિયાન ,સ્વચ્છતા અભિયાન જેવી અનેક બાબતોને આપણે સૌ સાથે મળીને સહકાર આપીએ તેવી અપીલ કરી હતી.

કાર્યક્રમમાં તરવડા સ્વામિનારાયણ સંસ્થાના હરિદર્શન સ્વામી અને સંતોએ જળપૂજન વિધી કરી હતી. આ તકે કલેકટરશ્રી આયૂષ ઓક , આગેવાનો શ્રી હિરેનભાઇ હિરપરા, શ્રી અશ્વીનભાઇ સાવલીયા,શ્રી કૌશિકભાઇ વેકરીયા ,ડો.કાનાબાર, શ્રી રિતેષભાઇ સોની,ભાવનાબેન,શ્રી રણજીતભાઇ વાળા ,શ્રી વસંતભાઇ મોવલીયા, શ્રીમનીષ સંઘાણી ,અધિક કલેકટરશ્રી પાન્ડોર ,ડી.આર.ડી.એ. નિયામકશ્રી ડોબરીયા, નાયબ કલેકટર શ્રી સતાણી, શ્રી ઓઝા સહીત અનેક અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ અને પોષક  આહાર અંગે સૌએ પ્રતિજ્ઞા લીધી હતી.

(1:23 pm IST)