Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

હવે વરસાદ કે રોગ ન આવે તો મગફળીનો પાક ચિક્કારઃ દશેરા ટાણે બજારમાં આવશે

છેલ્લો વરસાદ અને અત્યારનો તડકો ચોમાસુ પાક માટે આશીર્વાદરૂપ

રાજકોટ, તા. ૧૮ :. સૌરાષ્ટ્રમાં સારા ચોમાસાના કારણે ખેતીનો પાક ખૂબ સારો થવાની આશા બળ વત્તર બની છે. ગયા વખતે આખા રાજ્યનો સરેરાશ વરસાદ ૭૬ ટકા થયેલ. આ વખતે ૧૨૨ ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર વિસ્તારનો વરસાદ ૧૨૦.૮૫ ટકા છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનો પાક થાય છે. આ વર્ષે ચોમાસાની જમાવટ ઓગષ્ટમાં થયેલ. સમયની માંગ મુજબના વરસાદ અને અત્યારના તડકાના કારણે કપાસ-મગફળી માટે એકદમ સાનુકુળ સંજોગો સર્જાયા છે. જો હવે વરસાદ ન આવે તો પણ મગફળીને કોઈ નુકશાન નથી. ભારે વરસાદ કે ફુગ જેવો કોઈ રોગ ન આવે તો મગફળીનો પાક ચિક્કાર થશે તેમ ખેડૂત વર્તુળો જણાવે છે. મગફળી દશેરાના આસપાસના દિવસોમાં (ઓકટોબર પ્રારંભ) બજારમાં આવવા લાગશે. કપાસનો પાક ડીસેમ્બર-જાન્યુઆરીમાં તૈયાર થશે. ખેડૂતોને ખૂબ સારા વર્ષના સંકેત દેખાય છે.

સૌરાષ્ટ્રમાં મોટા ભાગે જુલાઈમાં મગફળીનું વાવેતર થયેલ. આ પાક ૧૦૦થી ૧૧૦ દિવસનો ગણાય છે. સપ્ટેમ્બરમાં પાછોતરા વરસાદની જરૂર હતી તે ટાણે જ સારો વરસાદ થઈ ગયો અને અત્યારે વરાપની જરૂરના સમયે વરાપ છે. અત્યારનો તડકો ખેતી માટે ઉપયોગી છે. હવે અઠવાડીયા પછી સામાન્ય વરસાદ આવે તો ખેતીને કોઈ નુકશાન નહિ પરંતુ સામાન્ય ફાયદો થશે. કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં વધુ પાણી ભરાઈ રહેવાથી મગફળીમાં ફુગ દેખાવા લાગેલ. જો કે તેનુ પ્રમાણ વ્યાપક નથી. હવે કોઈ કુદરતી પ્રતિકુળ પરિસ્થિતિ ન થાય તો મગફળી અને કપાસનો પાક મબલખ થશે.

સારા ચોમાસાના કારણે કુવાઓ ભરાય ગયા છે તેથી શિયાળામાં વાવવામાં આવતા ઘઉં, ચણા, જીરૂ વગેરેનો પાક પણ મોટા પ્રમાણમાં થવાના સંજોગો છે. સામાન્ય રીતે દશેરાથી મીલમાં મગફળીનું પિલાણ શરૂ થતુ હોય છે. આ વખતે પણ એ જ અરસામાં મગફળી બજારમાં આવવા લાગશે. મગફળીનો પાક પુષ્કળ થનાર હોવાથી ટેકાના ભાવે ખરીદી માટે સરકારે સઘન વ્યવસ્થા ગોઠવવી પડશે. સરકાર કક્ષાએ તેની પ્રાથમિક તૈયારી શરૂ થઈ ચૂકી છે. સારા વરસાદની ખેતીની જેમ અન્ય ક્ષેત્રોમાં પણ સારી અસર દેખાશે.

(1:17 pm IST)