Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કાલથી જામનગરમાં નવરાત્રિ હસ્તકલા મેળો

સૌરાષ્ટ્ર-ગુજરાતના ૧૨૦ થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન અને વેચાણ : સરકારના ઇન્ડેક્ષસી દ્વારા આયોજનઃ કચ્છી ઘોડી-પપેટ શોનું આકર્ષણ- લાભ લેવા નિયામક પી.જી.પટેલનો અનુરોધ

ગાંધીનગર તા.૧૮: ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નર શ્રી, કુટિર અને ગ્રામોધોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્ડેક્ષ્ટ-સીનો મૂળભૂત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દશન કરવાનો છે.

ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા સૌ પ્રથમવાર જામનગરનાં આંગણે ''નવરાત્રી હસ્તકલા મેળો'' પ્રદર્શન મેદાન, જામનગર ખાતે તા.૧૯ થી તા.૨૮, દિન-૧૦ દરમ્યાન યોજેલ છે. આ મેળાનો સમયઃ બપોરે ૧ થી રાત્રીના ૯ કલાકે સુધી રાખેલ છે. આ મેળામાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉદ્યોગના ૧૨૦ થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવનાર છે. આ મેળામાં કચ્છી ઘોડી અને પપેટ  શો જામનગરવાસીઓને આકર્ષિત કરશે.

ઇન્ડેક્ષ્ટ-સી, ગાંધીનગર સાથે જોડાયેલ વ્યકિતગત કારીગરો/હસ્તકલા-હાથશાળ મંડળીઓ/સ્વૈચ્છીક સંસ્થાઓ /સ્વસહાય જુથો / સખી મંડળો અને કલસ્ટર્સનાં કારીગરોને સીધુ બજાર પુરૂ પાડવા આયોજન છે જેમાં કારીગરો દ્વારા ભાતીગળ-હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરત કામ, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, લેધર વર્ક, અકીકની આઇટમો, વુડન વોલપીસ, ગૃહઉદ્યોગ, ચણીયા ચોળઈ, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા વિગેરે સાથે બીજુ ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવનાર છે. આ મેળામાં જામનગર, સુરત, સુરેન્દ્રનગર,અમદાવાદ, વડોદરા, આણંદ, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, બોટાદ, ખેડા વિગેરે જિલ્લાનાં કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવનાર છે.

આ મેળાનું ઉદ્દઘાટન કાલે તા.૧૯ ના સાંજ ૫.૪૦ કલાકે અન્ન નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા અને કુટિર ઉદ્યોગ ખાતાના રાજયકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રાખેલ છે. આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી સતિષ એ.પટેલ, જામનગરના કલેકટરશ્રી રવિ શંકર તથા મેયરશ્રી હસમુખભાઇ જેઠવા ઉપસ્થિત રહેનાર છે. આ સમગ્ર મેળાનુ આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી પી.જી.પટેલ જી.એ.એસ.ના માર્ગદર્શન હેઠળ મેનેજર આર.આર.જાદવ દ્વારા અને જેનુ સંકલન માર્કેટીંગ મેનેજરશ્રી ડો.સ્નેહલ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે. જામનગરની કલાપ્રેમી જનતાને આ ''નવરાત્રી હસ્તકલા મેળા''ની મુલાકાત લઇ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણ તક ઝડપી લેવા ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી, પી.જી.પટેલ (જી.એ.એસ.) દ્વારા અનુરોધ કર્યો છે.

(11:58 am IST)