Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કચ્છની દરિયાઈ ક્રિકમાં મીઠાના અગરોના કારણે ચેરીયાના થઈ રહેલા નાશ સામે ગુજરાતના વનતંત્રને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની લપડાક

ગુજરાત કોસ્ટલ ઝોન ઓથોરિટી, મહેસુલી અધિકારીઓ અને વન વિભાગની જોઈન્ટ કમિટી ક્રિકમાં મીઠાના અગરો ઉભા કરનારાઓ સામે પગલાં ભરી, પર્યાવરણને થયેલું નુકસાન વસૂલી મીઠાના અગરો એક મહિનામાં બંધ કરાવે તેવો આદેશ

ભુજ, તા.૧૮: કચ્છના જંગી ગામની દરિયાઈ ક્રિકમાં ગેરકાયદેસર ઉભા કરાયેલા મીઠાના અગરોને કારણે ચેરીયાના વૃક્ષોનો નાશ થતાં પોતાના પાલતું ઊંટો માટે દ્યાસચારાની મુશ્કેલી ઉભી થતી હોવાની કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને દિલ્હી સ્થિત નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં પૂરતા આધાર પુરાવાઓ સાથે ફરિયાદ કરી દાદ માંગી હતી. જેને પગલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) દ્વારા ૨૦ પાનાનો ચુકાદો અપાયો છે,

જેમાં ગુજરાતના વનતંત્રને લપડાક લગાવી છે. જે અનુસાર એક જોઈન્ટ કમિટી બનાવવી, કાયદાનો ભંગ કરનાર સામે પગલાં ભરી દંડ વસૂલવા, છ મહિનામાં ક્રિક વિસ્તારમાં ચેરીયાનું પુનઃ નિર્માણ કરવાનો આદેશ આપ્યો છે.

એનજીટી ના આદેશ અનુસાર ગુજરાત કોસ્ટલ ઝોન ઓથોરિટી, મહેસુલી અધિકારીઓ અને વન વિભાગની જોઈન્ટ કમિટી બનાવીને ક્રિકમાં ગેરકાયદે પાળાઓ બનાવનારાઓ સામે કાયદેસરના પગલાં ભરી, પર્યાવરણના નુકસાનનું દંડ વસૂલી એક મહિનામાં આ ગેરકાયદે પ્રવૃત્ત્િ। બંધ કરાવે તેવો આદેશ કરાયો છે. હવે આ વિસ્તારમાં વનસંરક્ષણ ધારા ૧૮૦ અને કોસ્ટલ ઝોન સિકયુરિટી એકટનો કડક અમલ કરવા તેમ જ મીઠાનું ઉત્પાદન અટકાવવા એનજીટી એ કડક સૂચના આપી છે.

જોકે, આ વિસ્તારમાં મીઠાના અગરોમાં અપાયેલા પીજીવીસીએલના વીજ કનેકશનો પણ ચર્ચાનો મુદ્દો બન્યા હતા. તો, વનતંત્રની મીઠી નજર નીચે મીઠાના અગરો નિયમોનો ભંગ કરી ધમધમતા હતા. પર્યાવરણના હિતમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ઓથોરિટીએ આપેલા નિર્ણયને પગલે ઊંટ ઉછેરક માલધારી સંગઠનમાં હર્ષની લાગણી છવાઈ છે.

(11:56 am IST)