Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

બાબરાના ૨૦ ગામોને જોડતો ગરણી-જીવાપર રોડ ન બને તો આત્મવિલોપનની ચિમકી છતા કામગીરી નહી

લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરની ગાંધીનગર રજૂઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૮ : લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે રાજયના માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેરશ્રીને પત્ર પાઠવીને બાબરાના ૨૦ ગામોને જોડતો ગરણી જીવાપર રોડ ન બને તો આત્મવિલોપનની ચિમકી આપવામાં આવી છે છતા હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્રોશ ઠાલવ્યો છે.

વિરજીભાઇ ઠુંમરે રજૂઆતમાં વધુમાં જણાવ્યુ છે કે, અમરેલી જિલ્લાના જિ.પં. હસ્તકના અતિ બિસ્માર રસ્તાઓને તાકિદે રીપેર કરવા તંત્રને લેખીત તેમજ ટેલીફોનીક સંદેશા ઉપર અવારનવાર રજૂઆત કરવા છતા રસ્તા રીપેર કરવા બાબતે કોઇ કાર્યવાહી થતી નથી. રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયેલ હોવાથી વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડે છે અને અકસ્માતનો ભય રહે છે. હાલમાં મારા મતવિસ્તાર બાબરા તાલુકાના ગરણીથી જીવાપર સુધીનો માર્ગ તેમજ બાબરાના નિલવડા માર્ગ પર આવેલ નાળુ અતિ બિસ્માર છે.

રસ્તાઓ ખરાબ હોવાને કારણે વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને અમારી સમક્ષ રસ્તાઓ રીપેર કરવા બાબતે રોષપુર્ણ રજૂઆતો કરતા રહે છે.

જેના અનુસંધાને લગત વિભાગોને જણાવવા છતા રસ્તાઓ મરામત કરવા બાબતે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી. તેથી અમરેલી જિલ્લા પંચાયત હસ્તકના લાઠી બાબરા તાલુકાના તેમજ સમગ્ર અમરેલી જિલ્લાના રસ્તા નાળાઓ તાકિદે મરામત કરવા વિરજીભાઇ ઠુંમરે માંગણી કરી છે.

વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યુ છે કે અમરેલી જિલ્લાના જિ.પં. હસ્તકના રસ્તાઓ અતિ બિસ્માર છે. આ રસ્તાઓ તાકિદે રીપેર કરવા કાર્યપાલક ઇજનેરશ્રી પં. માર્ગ મકાન વિભાગ, અમરેલીને લેખીત તેમજ ટેલીફોનીક સંદેશા ઉપર અવારનવાર રજૂઆત કરવા છતા રસ્તા રીપેર કરવા બાબતે કોઇ કાર્યવાહી થતી નથી. રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયેલ હોવા છતા વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અને અકસ્માતનો ભય રહે છે. હાલમાં મારા મતવિસ્તાર લાઠી તાલુકાના દામનગરથી છભાડીયા સુધીનો માર્ગ અતિ બિસ્માર છે જે પ્રેસમાં પણ સમાચાર આવેલ છે (નકલ સામેલ છે) અમરેલી શહેર તેમજ તાલુકાકક્ષાના તમામ રસ્તાઓ ખરાબ હોવાને લીધે વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહેલ છે.

લગત વિભાગ કાર્યપાલક ઇજનેરશ્રી (પં.) મા.મ. અમરેલી અને જિલ્લા વિકાસ અધિકારી અમરેલીને  બે બે પત્રો લખી જણાવવા છતા રસ્તાઓ રીપેર કરવા બાબતે ધ્યાન અપાતુ નથી.  જિલ.પં. હસ્તકના રસ્તાઓ તાકિદે રીપેર કરવા કાર્યપાલક ઇજનેરશ્રી અમરેલીને કડક સુચના આપવા અંતમાં ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે માંગણી કરી છે.

(11:47 am IST)