Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

જુનાગઢનાં માખીયાળાની રૂ. ૩૯ હજારની લૂંટનો ભેદ ઉકેલવા દંગા-પડાવમાં ચેકીંગ

વૃધ્ધ દંપતીને માર મારી લુંટી લેનાર શખ્સોની શોધખોળ

 જૂનાગઢ તા. ૧૮ :.. જુનાગઢ તાલુકાનાં માખીવાળા ગામે રહેતા લવાભાઇ રાઘવ ગજેરા પટેલ (ઉ.૭ર) અને તેના પત્ની શાંતાબેન (ઉ.૭૦) રાત્રે તેના ઘરમાં સુતા હતા ત્યારે ૪ અજાણ્યા શખ્સો ચોરી કરવાનાં ઇરાદે ઘુસી આવતા વૃધ્ધ દંપતી ઉંઘમાંથી જાગી ગયુ હતું.

આથી આ શખ્સોએ બન્ને ઉપર લાકડી વડે હૂમલો કર્યો હતો. અને વૃધ્ધાએ કાળમાં પહેરેલ સોનાની લૂંટી તથા વારી તેમજ રૂ. ૪૦૦૦ ની રોકડ સહિત કુલ રૂ. ૩૯ હજારની માલમતાની લુંટ ચલાવીને ચારેય શખ્સો નાસી ગયા હતાં.

આ અંગેની જાણ થતા તાલુકા પોલીસે દોડી જઇને તપાસ શરૂ કરી દીધી હતી. લુંટનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી. આઇ. આર. કે. ગોહીલ ત્થા એસઓ ઇન્ચાર્જ જે. એમ. વાળા તેમના સ્ટાફની મદદ લેવામાં આવી હતી.

તપાસનીશ તાલુકા પીએસઆઇ પી. બી. લકકડે અકિલાને જણાવેલ કે, લુંટારા સુધી પહોંચવા માટે વૃધ્ધ દંપતી માખીયાળા ગામે પાદરમાં ધોરાજી રોડનાં કાંઠે ભરવાડની હોટેલ આસપાસના દંગા અને પડાવમાં ગઇકાલે ચેકીંગ કરવામાં આવ્યુ હતું તેમજ શંકાસ્પદ શખ્સોની પુછપરછ કરવામાં આવી હતી.

પી. એસ. આઇ. લકકડે વધુમાં જણાવેલ કે વૃધ્ધ દંપતીના ઘર પાસેની શૈક્ષણીક સંસ્થાના સીસી ટીવી કેમેરા પણ તપાસવામાં આવેલ પરંતુ કંઇ કડી મળી ન હતી.

પ્રથમ આ બનાવમાં જાણભેદુ હોવાની શંકા હતી પણ જાણભેદુ ન હોવાનું જણાયુ હોવાનું શ્રી લકડડે કહયુ હતું.

વૃધ્ધ દંપતી નિઃસંતાન છે અને ૧પ વિઘા જમીન છે. લવાભાઇનો ભત્રીજો વિનુ વાવેતર કરે છે.

(2:40 pm IST)