Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગોંડલના વોરા કોટડા ગામની ખાણ પાસે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૮ : ચાલુ વર્ષે વરસાદ ઓછો થતાં શહેરના જીવાદોરી સમાન આશાપુરા ડેમ અને સેતુબંધ ડેમમાં ઓછું પાણી હોય અને શહેરની જનતાને પીવા માટે ઉપયોગમાં લેવાનું હોય પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, મામલતદાર બી જે ચુડાસમા તેમજ પોલીસ ઇન્સ્પેકટર રામાનુજ સહિત ત્રણે તંત્રની સંયુકત મિટિંગ મળવા પામી હતી અને ગણેશ વિસર્જન શહેરથી ૫ કિમી દૂર વોરાકોટડા ગામ પાસે આવેલ કાળા પાણાની ખાણ ખાતે કરવાનું નક્કી થવા પામ્યુ છે.

ગણેશ વિસર્જન અંગે રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા વોરાકોટડા ખાતે નગરપાલિકાની ફાયર ટીમ, એમ્બ્યુલન્સ ટીમ, વીજળી શાખા ટીમ, ક્રેન, બે બોટ, તરવૈયા સહિતના કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે અને શ્રદ્ઘાળુઓએ પૂજન વિધિ કરી ગણપતિ મહારાજની પ્રતિમા કર્મચારીઓને સોંપી દેવાની રહેશે બાદમાં કર્મચારીઓ ક્રેન મારફત પાણીની વચ્ચે જઈ પ્રતિમાનું વિસર્જન કરી આપશે આ સ્થળે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને વહીવટી તંત્ર પણ ખડે પગે રહેનાર છે.(૨૧.૮)

(12:01 pm IST)