Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વારંવારની રજુઆતો બાદ વાંકાનેરના પતાળીયા નદીના પુલ પાસે ડાયવર્ઝનની કામગીરી

વાંકનેર, તા.૧૮: વાંકાનેરથી રાજકોટ અને વાંકાનેર-અમદાવાદ-મોરબી-માટેલ જવા આવવા માટે વાંકાનેર પતાળીયા નદી પરનો બેઠો પુલ, જયારે જયારે પણ વધુ વરસાદે નદીમાં પુર આવ્‍યે પુલ પર પાણી વહેતા થાય ત્‍યારે ત્‍યારે વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઇ જતો હતો. આ બેઠો પુલને ઉંચો કરવા નાયબ મુખ્‍યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલે આ પુલને નવો બનાવવા અર્થે ગ્રાન્‍ટ ૨૦૧૬-૧૭માં મંજુર કરેલ. જે કામના ટેન્‍ડરો ૨૦૧૭માં કાઢેલ. બાદમાં જુના પુલને તોડી પાડવાની કામગીરીનો પ્રારંભ થયેલ. કલેકટરશ્રી આ અંગે બહાર પડાયેલ જાહેરનામા મુજબ તા.૧૫/૨/૨૦૧૮થી તા.૧૫/૬/૨૦૧૮માં પુલ તૈયાર થઇ વાહન વ્‍યવહાર પૂર્વવત થવાની વિગતો હતી કોન્‍દ્રકટર દ્વારા જુનો બેઠોપુલ તોડી પડાયેલ જેમાંથી નીકળેલ લોખંડ-બેલા સહિતની વસ્‍તુઓ લઇ જવાયા બાદ આજ સુધી એટલે કે તા.૧૭/૯/૧૮ સુધીમાં નવો પુલ બનાવવાની કોઇ જ કાર્યવાહી થવા પામેલ નથી.

સ્‍કૂલોમાં જવા આવતા વિદ્યાર્થીઓને પડતી તકલીફો, પુલ નજીકના વિસ્‍તારો રાજાવડલા, ગુલાબનગર, એકતા સોસાયટી, વિવેકાનંદ સોસાયટી સહિતના રહેવાસીઓની તકલીફો ઉપરાંત હાલ મોહર્રમ પર્વમાં તાઝીયાઓના લાવવા-લઇજવાની અનિવાર્યતાએ, મહંમદભાઇ રાઠોડની વહીવટી અધિકારીઓ પાસે ગંભીર રજુઆતો, વિનતીઓને અંતે હાલ અહીં તોડી પડાયેલા પુલ પાસેથી ડાયવર્ઝનની કામગીરીનો છેક હવે પ્રારંભ થયો છે. નવા પુલનુ કામ કયારે શરૂ થશે? તે અંગે વહિવટી અધિકારીઓ પણ મૌન સેવી રહ્યા છે.

તોડી પડાયેલા પુલ પાસે ડાયવર્ઝનની કામગીરી શરૂ થતા અસરગ્રસ્‍ત લોકો લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

આ પૂર્વે વાંકાંનેર એક કાર્યક્રમ વેળા આવેલા રાજય કક્ષાના મંત્રીશ્રી વાસણભાઇ આહિરને પણ મહમદભાઇ રાઠોડે રજુઆત કરેલી હતી.

 તે રજુઆત સમયે વાંકાનેર  પાલિકાના પ્રમુખ રમેશભાઇ વોરા, માજી પ્રમુખ અને ન.પા. સંયોજક જીતુભાઇ સોમાણી, ઉપપ્રમુખ ધમેન્‍દ્રસિંહ જાડેજા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન ઇન્‍દ્રભા જાડેજા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દીનુભાઇ વ્‍યાસ, માજી ઉપપ્રમુખ નીતિનભાઇ શેઠ સહિતના અગ્રણીઓએ પણ આ પુલ બનવા અંગે રજુઆતમાં સુર પુરાવ્‍યો હતો.

(11:38 am IST)