Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

જામનગરના એડવોકેટ કિરીટ જોષી હત્‍યા કેસમાં બે આરોપીની જામીન અરજીઃ કોર્ટ સમક્ષ હત્‍યા કેસની સીડી રજૂ કરાઇ

સ્‍પે. પી.પી. અનિલભાઇ દેસાઇ દ્વારા ઉચ્‍ચ અદાલતોના ૧૧ ચુકાદાઓ ટાંકવામાં આવ્‍યાઃ કોર્ટમાં સીડીનું રેર્કોડીંગ નિહાળવામાં આવ્‍યુઃ જામીન અરજીનો ર૦ મીએ ચૂકાદોઃ પોલીસ દ્વારા પાંચ હજાર પાનાનું ‘ચાર્જશીટ' રજૂ કરાયુ

રાજકોટ તા. ૧૭ :.. જામનગરના અતિ ચકચારજનક એડવોકેટ કિરીટ જોષીની હત્‍યા પ્રકરણનો કેસ જામનગરની અદાલતમાં બોર્ડ પર આવ્‍યો છે. અને સરકાર પક્ષે સ્‍પેશીયલ પીપી તરીકે નિમાયેલા રાજકોટના એડવોકેટનું જામનગરની અદાલતમાં આગમન થયું હતું. બે આરોપીઓ દ્વારા કરાયેલી જામીન અરજીના મામલે દલીલો કરવામાં આવી હતી, એડવોકેટની હત્‍યાના બનાવનું સીસી ટીવી ફુટેજમાં રેકોર્ડીંગ થયું હતું. જેની સીડી બનાવીને લેપટોપ મારફતે અદાલતમાં જજ દ્વારા રેકોર્ડીંગ નિહાળવામાં આવ્‍યું હતું. જયારે સ્‍પેશીયલ પી.પી. દ્વારા સુપ્રિમ કોર્ટ દ્વારા જૂદી જૂદી અદાલતોના જજમેન્‍ટ ટાંકવામાં આવ્‍યા હતાં. જામનગરની અદાલતમાં રાજય સરકાર દ્વારા સ્‍પેશીયલ પી. પી. મુકવામાં આવ્‍યા હોવાનો પ્રથમ કિસ્‍સો છે.

જામનગરના ટાઉન હોલ જેવા ભરચક  વિસ્‍તારમાં જાણીતા ધારાશાષાી કિરીટ જોષીની સોપારી કિલરો દ્વારા હત્‍યા કરી નાખવામાં આવી હતી જે હત્‍યાના પગલે જામનગર સહિત રાજયભરમાં વકીલ મંડળમાં ઉગ્ર રોષની લાગણી પ્રસરી હતી. આ પ્રકરણમાં પાંચ હજાર પાના જેટલું ચાર્જશીટ અદાલતમાં રજૂ કરી દેવાયું હતું. દરમ્‍યાન અમદાવાદ, પોલીસ દ્વારા મુંબઇથી સોપારી લઇને હત્‍યા કરવાના ગુન્‍હામાં મુંબઇના બે આરોપીઓ સાયમન લુઇસ અને અજય મહેતાની ધરપકડ કરવામાં આવી હતી અને જેલ હવાલે કરાયા હતાં.

આ બંને આરોપીઓ દ્વારા જામનગરના એડી. સેશન્‍સ જજની અદાલતમાં જામીન અરજી કરવામાં આવી હતી જે અરજીને ધ્‍યાને લઇને આજે સુનાવણી હાથ ધરાઇ હતી અને ગુજરાત સરકાર સ્‍પેશીયલ પી. પી. તરીકે  નિમાયેલા રાજકોટના એડવોકેટ અનિલ દેસાઇનું આજે જામનગરમાં આગમન થયું હતું જેઓએ અદાલત સમક્ષ સરકારનો પક્ષ રાખીને વિસ્‍તૃત દલીલો કરી હતી. જામનગરની અદાલતમાં રાજય સરકાર દ્વારા સ્‍પેશીયલ પી. પી.ની નિમણુંક કરવામાં આવી હોય તેવો પ્રથમ કિસ્‍સો છે.

રાજકોટના સ્‍પેશીયલ પી. પી. અનિલભાઇ દેસાઇ દ્વારા સુપ્રિમ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટ સહિતની જૂદી જુદી ૧૧ જેટલી અદાલતોના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્‍યા હતાં. આ ઉપરાંત જે હત્‍યાની ઘટના બની હતી. તેના સીસી ટીવી કેમેરાના ફુટેજનું સીડીમાં રેકોર્ડીંગ કરાયું હતું જે રેકોર્ડીંગ ભરી અદાલતમાં લેપટોપ મારફતે પ્‍લે કરવામાં આવ્‍યું હતું અને મેજીસ્‍ટ્રેટે તે રેકોર્ડીંગને નિહાળ્‍યું હતું. બચાવ પક્ષ દ્વારા જામનગરના જ બે એડવોકેટ દ્વારા વકીલાતનામું રજૂ કરવામાં આવ્‍યું હતું અને બચાવ પક્ષની દલીલો પણ થઇ હતી તે જામીન અરજીનો ચૂકાદો આગામી ર૦ મી તારીખે મુકરર કરવામાં આવ્‍યો છે ત્‍યારે હવે આગામી દિવસોમાં આ કેસમાં શું નવો વણાંક આવે છે. તેના પર સૌની મીટ મંડાયેલી છે.

આ કેસમાં સરકાર પક્ષે સ્‍પે. પી. પી. અનિલભાઇ દેસાઇ ત્‍થા આરોપીઓ વતી એડવોકેટ વી. એલ. માનસાતા રોકાયા છે.

(11:57 am IST)