Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગિરનારી મહંત દાનમાં મળેલી જમીન પરત આપી શકે નહીં

ચેરિટી કમિશનરે આશ્રમને મળેલી જમીન પરત આપવા અંગેની ઘટનામાં સુઓમોટો કાર્યવાહી : ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વગર ટ્રસ્‍ટની કોઇપણ મિલકત વેચી કે પરત આપી શકાય નહી : વિસ્‍તૃત અહેવાલ તૈયાર કરી આગામી તા. ૨૯મી સપ્‍ટેમ્‍બર સુધી રજૂ કરવા આદેશ કરાયો

અમદાવાદ તા. ૧૮ : જૂનાગઢના ભવનાથ રૂદ્રજાગીર આશ્રમના મહંત ઇન્‍દ્રભારતી બાપુએ આશ્રમને વર્ષો પહેલાં દાનમાં મળેલી ૨૭ વિઘા જમીન દાનવીરને પરત આપવાની ઘટનામાં ચેરિટી કમિશનરે સુઓમોટો કાર્યવાહી કરી આશ્રમને દાનમાં મળેલી જમીન ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વગર મહંત પરત આપી શકે નહીં તેવો આદેશ કર્યો છે. કોઈ પણ ટ્રસ્‍ટ હસ્‍તકની સંપત્તિ ચેરિટી કમિશનરની પૂર્વ પરવાનગી વગર વેચી કે પરત આપી શકાય નહીં. ચેરિટી કમિશનરે પોતાના ઓર્ડરમાં કલેક્‍ટરને રેવન્‍યૂ રેકર્ડમાં કોઈ પણ જાતની એન્‍ટ્રીમાં ફેરફાર ન થાય તે જોવા તાકીદ કરી છે. ઉપરાંત જૂનાગઢના આસિસ્‍ટન્‍ટ ચેરિટી કમિશનર કચેરીના ઈન્‍સ્‍પેક્‍ટરને સમગ્ર ઘટનાની તપાસ કરી વિસ્‍તૃત અહેવાલ ૨૯ સપ્‍ટેમ્‍બર સુધીમાં સુપરત કરવા આદેશ કર્યો છે. આ કેસમાં વધુ સુનાવણી ૬ ઓક્‍ટોબરે રાખી છે. .

જૂનાગઢમાં ભવનાથના રૂદ્રજાગીર આશ્રમના મહંત ઈન્‍દ્રભારતી બાપુએ દાનમાં મળેલી કરોડોની ૨૭ વિઘા જમીનનું ફાર્મહાઉસ દાન આપનારને પરત આપવાની જાહેરાત કરી હતી. રાજકોટમાં રહેતા કે. રસીકલાલ એન્‍ડ કંપનીના પરિવારે રૂદ્રજાગીર આશ્રમના મહંત ઈન્‍દ્રભારતી બાપુને સાસણ નજીક દેવળીયા પાર્ક પાસે ૨૭ વિઘા જમીન વર્ષો અગાઉ દાનમાં આપી હતી. આ જમીન મળ્‍યા બાદ મહંત ઈન્‍દ્રભારતી બાપુએ આ જમીનને વિકસાવી અને આધ્‍યાત્‍મિક ફાર્મહાઉસ પણ તૈયાર કર્યું હતું અને ૪૦૦ આંબાનું વાવેતર કરવામાં આવ્‍યું હતું. બીજી બાજુ, રાજકોટ સ્‍થિત કે. રસિકલાલ એન્‍ડ કંપનીના વ્‍યવસાયમાં ખોટ આવતા આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. જેના પગલે જૂનાગઢ ભવનાથ સ્‍થિત રૂદ્રજાગીર આશ્રમના મહંત ઈન્‍દ્રભારતી બાપુએ આ કરોડોની જમીન જે સેવક પરિવારે મહંતને દાનમાં આપી હતી તેમના જ પરિવારને ૧૪ વર્ષે પરત આપી હતી. આ ઘટના બાદ ચેરિટી કમિશનર વાય.એમ. શુક્‍લાએ સુઓમોટો કાર્યવાહી કરી હતી. ચેરિટી કમિશનરે સુઓમોટો કાર્યવાહીમાં ટાંક્‍યું હતું કે, આ મામલે આંખ આડા કાન કરી શકાય તેવું નથી. ગેરવાજબી પ્રવૃત્તિ થઈ રહી છે તેને નજર અંદાજ ન કરી શકાય. કોઈ પણ ટ્રસ્‍ટ હસ્‍તક સંપત્તિ હોય તેને ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વગર વેચી કે પરત આપી શકાય નહીં. જેથી આ કિસ્‍સામાં મૂળ દાન આપનારને તે જમીન પરત આપવાનો મહંત કે ટ્રસ્‍ટીને કોઈ હક નથી. કાયદા મુજબ મહંતને આવી કોઈ પરવાનગી નથી.

 ચેરિટી કમિશનરે ઓર્ડરમાં લખ્‍યું હતું કે, મહંત ચેરિટી કમિશનરની લેખિત પરવાનગી વગર આશ્રમને હસ્‍તક હોય તેવી કોઈ પણ સંપત્તિ પરત આપવાની કાર્યવાહી કરી શકે નહીં. ઉપરાંત કલેક્‍ટરને આદેશ કરાયો હતો કે, રેવન્‍યુ રેકર્ડમાં ચેરિટી કમિશનરની મંજૂરી વિના કોઈ પણ એન્‍ટ્રી બદલવી નહીં. ઉપરાંત જૂનાગઢ ખાતે આવેલી આસિ. ચેરિટી કમિશનરની કચેરીના ઈન્‍સ્‍પેક્‍ટરને આશ્રમની મુલાકાત લેવા, મહંતનું અને ટ્રસ્‍ટીનું નિવેદન લેવા, જો ટ્રસ્‍ટ રજિસ્‍ટર ન હોય તો રજિસ્‍ટ્રેશન માટેની ચકાસણી શરૂ કરવા માટે જણાવાયું છે. ૨૯ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૮ સુધીમાં ટ્રસ્‍ટ, ટ્રસ્‍ટી, પીટીઆર, ઓડિટ રિપોર્ટ, ઠરાવ, ટ્રસ્‍ટની પ્રોપર્ટીના રેવન્‍યૂ રેકર્ડ અને તમામ સંબંધિત દસ્‍તાવેજો એકત્ર કરી વિસ્‍તૃત અહેવાલ રજૂ કરવા આદેશ કરાયો છે.

(10:05 am IST)