Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે ભાવનગર શહેરમાં

ભાવનગરના બોર તળાવ ખાતે આયોજિત મટકી ફોડ કાર્યક્રમ અને ત્યારબાદ જવાહર મેદાન ખાતેના મેળામાં હાજરી આપશે

 (  વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે એક દિવસીય ભાવનગર જિલ્લાના પ્રવાસે છે.
તેઓ સાંજે ૭-૦૦ કલાકે બોર તળાવ ખાતે આયોજિત  ભવ્યાતિભવ્ય નંદોત્સવ મટકી ફોડ કાર્યક્રમમાં વિશેષરૂપે ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ બાદ તેઓ જવાહર મેદાન ખાતે યોજાયેલ મેળામાં પણ હાજરી આપશે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ આ અવસરે તેમની સાથે રહેશે.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર નંદોત્સવ સમિતિ દ્વારા ભાવનગરમાં પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી રંગે ચંગે ઉજવણી કરવામાં આવનાર છે. 
કોરોના સમયગાળા બાદ પ્રથમવાર યોજાઈ રહેલા દહીં- હાંડીના કાર્યક્રમ માટે મહારાષ્ટ્રનાં ૧૫૦ થી વધુ ગોવિંદાઓ ભાવનગરમાં આવી રહ્યાં છે.
ભાવનગર શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં આવતીકાલે એટલે કે તા.૧૯-૦૮-૨૦૨૨નાં રોજ કાળીયાબીડ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે,  શીતળા માતાના મંદિર પાછળ બાનુબેનની વાડી ખાતે બપોરે ૧૨:૦૦ કલાકે, કુંભારવાડા અક્ષર પાર્ક ખાતે બપોરે ૧:૦૦ કલાકે, મહાત્મા ગાંધી સરકારી નિશાળ હાદાનગર ખાતે બપોરે ૩:૦૦ કલાકે, ધનજીભાઈ ચોક, ફુલસર ખાતે સાંજે ૫:૦૦ કલાકે અને બાલવાટિકા પાસેનો પોપડો, બોરતળાવ ખાતે સાંજે ૭:૦૦ કલાકે ભવ્યાતી ભવ્ય નંદોત્સવ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે શિક્ષણ મંત્રીએ ભાવેણાવાસીઓને અનુરોધ કર્યો છે.

(7:45 pm IST)