Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

વિવિધ મુદ્દે પાટીદાર સમાજે સ્વતંત્ર રીતે નિર્ણય લઇને જાગૃત થવાની જરૂરઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ૧૮: જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે, સિદસર ઉમીયાધામના પ્રમુખ જેરામભાઇ પટેલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસે પાટીદાર માટે પ૦ ટીકીટ માગવાની વાત કર્યાનું જાણવા મળે છે, પરંતુ ટીકીટ ન આપે તો શું કરવાના છે એવું જણાવેલ નથી. દરેક જ્ઞાતિના સમાજના લોકોને ટીકીટ માગવાનો અધિકાર છે.
જેરામભાઇ ભાજપની સીટો માગવાની વાત કરો છો, પરંતુ હાલમાં ભાજપની જ સરકાર છે તમે ભાજપ પ્રત્યે મમત્વ ધરાવતા હોવ તો ર૦૧પના પાટીદાર અનામત આંદોલન વખતના કેસો પરત ખેંચવા, શહિદોના પરિવારને નોકરી આપવી, ખોટી રીતે બહેનો-દિકરીઓ કે નિર્દોષ લોકો ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેની ફરિયાદો થઇ છે તેની તપાસ થવાનું જાણવા મળ્યું નથી.
ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે, પાટીદાર સમાજની ઉમીયાધામ, ખોડલધામ તેમજ અન્ય સંસ્થાઓના આગેવાનોએ ૭ વરસથી સરકાર સમક્ષ અનેક વખત રજુઆતો કરી છે. સરકારે ખાત્રી આપવા છતાં આશ્વાસન સિવાય કાંઇ મળ્યું નથી. તેવું દેખાઇ રહ્યું છે. ભાજપમાં પાટીદારના ધારાસભ્યો, સાંસદસભ્યો, મિનીસ્ટરો છે તેઓ આ બાબતે રજુઆતમાં સામેલ થયા હોય તેવું ભાગ્યે જ બન્યું હોય તો નવાઇ નહીં. ''ડેલીએ હાથ દઇ આવ્યા'' જેવું ૭ વરસથી બનતું આવ્યું છે. કોઇપણ સમાજના ભાજપના ધારાસભ્યો કે આગેવાનોને શિસ્તના નામે મોઢે તાળા છે એટલે પાટીદાર કે અન્ય સમાજના પ્રશ્નો માટે તેઓ મદદ કરશે એવી શાખા રાખવી એ મૂર્ખાઇ છે. કોઇપણ સમાજના પ્રશ્નો સરકાર સાંભળે નહીં કે ધ્યાન આપે નહિં ત્યારે આંદોલન કે હડતાળ પાડવાના પ્રશ્નો ઉભા થતા હોય છે અને આ સમય દરમ્યાન કોઇપણ સમાજની વ્યકિત ઉપર થયેલા કેસો પરત ખેંચવામાં કશું ગુમાવવાનું નથી. કેટલા સમયમાં કેસો પરત ખેંચાશે એ નકકી કરાવો.
દરેક સમાજના આગેવાનો ભાજપની ટીકીટો માગવાની લાઇનમાં છે. આજની મોંઘવારી કે અન્ય પ્રશ્નો મારફત મુશ્કેલી ભોગવતા હોઇએ તો કોઇપણ પક્ષના કે સમાજના આગેવાનો તથા મતદારોએ સ્વતંત્ર રીતે નિર્ણય કરવાનો સમય આવી ગયો છે. વિશેષ કરીને પાટીદાર સમાજે જાગૃત થવાની ખાસ જરૂર છે તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે.

 

(3:47 pm IST)