Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

લાંબા ગામે સવા લાખની ઘરફોડી

જામ ખંભાળીયા,તા. ૧૮ : કલ્‍યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા અને ખેત વ્‍યવસાય સાથે સંકળાયેલા હરમુખભાઈ અરસીભાઈ મંડોરા નામના ૫૧ વર્ષીય પ્રજાપતિ આધેડના રહેણાંક મકાનમાં ગત તારીખ ૧૧ ઓગસ્‍ટ પછીના સમયગાળા દરમિયાન ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, આ મકાનમાં રાખવામાં આવેલી પોણા તોલાની સોનાની વીંટી, પોણા બે તોલા સોનાનો ચેન, સોનાની ગળામાં પહેરવાની પોણા બે તોલાની હાંસડી, તથા ચાંદીના પગમાં પહેરવાના બે નંગ સદરા વિગેરે મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ કલ્‍યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આમ, કુલ રૂપિયા ૧,૨૮,૩૦૦ ના મુદ્દામાલની ચોરી થવા સબબ કલ્‍યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ ૩૮૦ તથા ૪૪૭ મુજબ ગુનો નોંધ્‍યો છે. આ પ્રકરણમાં શકદાર તરીકે લાંબા ગામના હમીર નામના શખ્‍સ અથવા અન્‍ય કોઈ તસ્‍કર સંડોવાયેલો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે દિશામાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. કે.એન. ઠાકરિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ભાણવડની પરિણીતાને ત્રાસ

ભાણવડ તાલુકાના રોઝડા ગામે હાલ રહેતી અને નારણભાઈ ભાદરવાડાની ૨૯ વર્ષની પરિણીત પુત્રી શોભનાબેન પંકજભાઈ શિંગલને તેણીના લગ્ન જીવન દરમિયાન છેલ્લા એકાદ વર્ષથી રાજકોટના હનુમાન મઢી વિસ્‍તારમાં રહેતા પતિ પંકજ રવજીભાઈ શિંગલ તથા સસરા રવજીભાઈ વીરાભાઈ શિંગલ દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસમાં નોંધાવવામાં આવી છે.

ખીરસરાના વૃદ્ધાને મારી નાખવાની ધમકીઃ બે મહિલાઓ સહિત પાંચ સામે ગુનો

કલ્‍યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા સવધીબેન પાંચાભાઈ હાજાભાઈ પિપરોતર નામના ૬૫ વર્ષના સગર વૃદ્ધાને આ જ વિસ્‍તારમાં રહેતા નાથાભાઈ જેઠાભાઈ પિપરોતર, વિજયાબેન નાથાભાઈ, અરશીભાઈ જેઠાભાઈ, સતીબેન અરશીભાઈ અને નિલેશ અરશીભાઈ પિપરોતર નામના પાંચ પરિવારજનોએ મળી, બિભત્‍સ ગાળો કાઢી, ઢિકા- પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ કલ્‍યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્‍યો છે.

ફરિયાદી સવધીબેન પોતાના ઘરે હતા, ત્‍યારે આરોપી નાથા જેઠા પીપરોતર તેમના મકાનની વંડી ઉપર ચડતા બોલાચાલી થયા બાદ આ બનાવ બન્‍યો હોવાને પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

(1:03 pm IST)