Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

પ્રતાપપુરના દલિત યુવકની હત્‍યાથી પ્રેમિકા કોમલ સહિત ૩ બાળકો નોધારા

‘એક ફૂલ દો માલી' જેવી લવ સ્‍ટોરીનો ખૂબ જ કરૂણ અંજામઃ આ બનાવથી સમાજે બોધપાઠ લેવો જરૂરીઃ આરોપીના રિમાન્‍ડની તજવીજ : પોલીસની વાણી અને આગેવાનોની જીદને લીધે કમલેશનો મૃતદેહ આઠ કલાક રઝળ્‍યો

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૧૮ : જસદણનાં પ્રતાપપુર ગામે દલીત યુવકની હત્‍યાનો હત્‍યારો પોલીસના હાથે જૂનાગઢ રેલ્‍વે સ્‍ટેશન ઉપરથી ઝડપાઇ ગયો છે પરંતુ આ બનાવે સમાજે ઘણો બોધપાઠ આપ્‍યો છે. ‘એક ફુલ દો માલી' જુવી આ લવ સ્‍ટોરીના ખૂબ જ કરૂણ અંજામ આવ્‍યો છે. ત્‍યારે જેના કારણે આ હત્‍યા થઇ છે. તેવી બંનેની પ્રેમીકા કોમલ સહીત ત્રણ બાળકો હાલ નોંધારા બની ગયા છે.
આ ફિલ્‍મી સ્‍ટોરી જેવી ઘટનાની શરૂઆત સાત-આઠ વર્ષ પહેલા થઇ જ્‍યારે વડીયાની કોમલ અને મરણ જનાર પ્રતાપપુરના મરણ જનાર કમલેશ મોહનભાઇ ચાવડાના લગ્ન માટે બંનેના પરીવારજનો વચ્‍ચે વાત-ચીત થઇ.
કમલેશ અને કોમલના માંગા એકબીજાના પરિવારજનો દ્વારા ગોઠવવામાં આવ્‍યા પરંતુ કોઇ કારણસોર કોમલના પરીવારજનો દ્વારા કમલેશ સાથે સગાઇ કરવાની ના પાડી.
આ દરમિયાન કોમલ અને કમલેશની આંખ મળી ગઇ હતી.પરંતુ લગ્ન શકય ન બનતા કમલેશે બીજે લગ્ન કરી લીધા અને તેમને પ્રથમ પત્‍નિની એક દિકરીનો જન્‍મ થયોફ
કમલેશના લગ્ન થઇ ગયા બાદ તેણે કોમલ સાથેના પ્રેમ સંબંધો ચાલુ જ રાખ્‍યા જેના લીધે કમલેશને તેની પ્રથમ પત્‍નિ સાથે અવાર નવાર માથાકૂટ પણ થતી હતી.
બાદમાં કોમલને પણ હવે નક્કી થઇ ગયુ હતુ કે હુ હવે કમલેશ સાથે ઘરસંસાર નહી માંડી શકુ ! જેથી તેણી વડીયાના  અને કમલેશના હત્‍યા કરનાર યશવંત અશ્વિન મકવાણાના સંપર્કમાં આવી અને બંનેની આંખ મળી ગઇ.
હત્‍યારો યશવંત પણ બે બાળકોનો પિતા હતો આમ છતાં કોમલ અને યશવંતના ગાઢ પ્રેમ સંબંધે ચાલુ જ રહ્યા અને એક દિવસ બંને ભાગી ગયા.
આ બાબતની જાણ મરણ જનાર કમલેશને થતાં તેણે કોમલને ભુલી જવા મન મનાવ્‍યું. બાદમાં કોમલ સાથેના તેના સંપર્કો ઓછા થઇ ગયા.
કોમલ અને તેનો પ્રેમી યશવંત એક વખત નહીં ત્રણ થી ચાર વખત ભાગી ગયા અને બંને મુંબઇ ખાતે નોકરી કરી તેમનું ગુજરાન ચલાવતા હતા.
મુંબઇથી ૬-૮ મહીને કોમલ અને યશવંત વડીયા આવી પાછા મુંબઇ કે બીજે જતા રહેતા હતા.
યશવંતને પણ ઘરે આ બાબતથી ઝગડા થવા લાગ્‍યા યશવંતને બે-બે બાળકો હોવા છતાં કોમલ વડીયા આવે ત્‍યારે યશવંત તેના ઘરે જવાને બદલે અહીં-તહી રખડયા કરતો હતો યશવંત છેલ્લા બે વર્ષથી તેના વડીયા ઘરે પણ ગયો નથી જો કે તેના પિતાએ જ તેની સાથેના સંબંધો તોડી નાખ્‍યા છે.
આ દરમિયાન કમલેશ પણ કોમલને ભૂલ્‍યો નહોતો ફરી થોડા સમય પહેલા બંનેના સંપર્કો ચાલુ થયો અને ફોનમાં વિડીયો કોલથી બંને વાતો કરવા લાગ્‍યા અને ફરી એક થવા બંનેએ નક્કી કર્યું.
કોમલની માંગણી મુજબ કમલેશ જો તેની પ્રથમ પત્‍નિને છૂટા-છેડા આપે તો હુ લગ્ન કરૂ, તેથી કમલેશે તેની પત્‍નિને છૂટાછેડા આપી દીધા અને ગત ૧૫ તારીખે બંને ના લગ્ન થઇ ગયા બાદ યશવંતથી સહન ન થતા તેને કમલેશના ઘરે આવી કમલેશની હત્‍યા કરી.
પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતો મુજબ યશવંત પણ આમ તો મજુરી કામ કરી ખર્ચો કાઢતો હતો. કોમલે ઘર-ઘરણુ કરી લેતા પોતે પણ કોમલ માટે પત્‍નિ -બાળકો અને પરીવારને છોડી દીધો હતો. અને કોમલ કમલેશની થઇ જતા ખુન્નસે ભરાઇ ગયો હતો.
યશવંત વડીયાથી ગઇ કાલે સવારથી જ કમલેશનું ઢીમ ઢાળી દેવા પ્રતાપપુર  આવી ગયો હતો. કમલેશના ઘરની આજુબાજુ રેકી પણ કરી હતી. પરંતુ મોકો નહી મળતા ગામમાં એક મંદિરે બેસી બાદ સુઇ પણ ગયો હતો.
ફરીવાર રાત્રે પણ કમલેશના ઘર પાસે આવ્‍યો હતો પરંતુ બધા જાગતા હોય યશવંત પણ સંતાઇને ઘર પાસે બેઠો રહ્યો.
રાત્રે સાડા-અગિયાર પછી કમલેશ બાથરૂમ જવા બહાર નીકળતા જ ટાપીને બેઠેલા યશવંતે કમલેશ ઉપર છરીના ઘા ઝીંકી દઇ કમલેશની હત્‍યા કરી નાંખી હતી.
બાદમાં પોતા પાસે મોટર સાઇકલ તો હતુ નહી હત્‍યા કર્યા બાદ યશવંત ચાલીને સાણથલી સુધી ગયો હતો ત્‍યાંથી વાહનમાં જૂનાગઢ રેલ્‍વે સ્‍ટેશન પહોંચી ગયો હતો અને ભાગી જવાની તૈયારી કરતો હતો. ત્‍યારે જ રાજકોટ જીલ્લા પોલીસે તેને દબોચી લીધો હતો.
આ બનાવે દલિત સમાજમાં ભારે ચર્ચા જગાવી છે. હાલ પોલીસે મૃતકના ભાઇ વિનોદભાઇની ફરીયાદ લઇ વડીયાના આરોપી યશવંત મહેશ મકવાણા વિરૂધ્‍ધ આઇપીસી કલમ ૩૦૨, ૪૪૭ અને એટ્રોસીટી ની કલમ ૩ (૨) (૫) તથા જી.પી.એકટ  કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરી છે.
આજે આટકોટ પોલીસ દ્વારા આરોપીનો કોરોના ટેસ્‍ટ કરી વિધિવત ધરપકડ કરી રીમાન્‍ડની માંગણી કરશે. જોકે આરોપીને ગુનો કર્યાનો કોઇ જ પસ્‍તાવો નથી.

પોલીસની વાણી અને આગેવાનોની જીદને લીધે કમલેશનો મૃતદેહ આઠ કલાક રઝળ્‍યો

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૧૮ :કમલેશની હત્‍યા બાદ તેના મૃતદેહને જસદણ સરકારી દવાખાને પી.એમ. માટે લાવવામાં આવ્‍યો હતો. જ્‍યાં દલિત સમાજનાં આગેવાનો પણ મોટી સંખ્‍યામાં ભેગા થઇ આરોપી ન પકડાઇ ત્‍યાં સુધી લાશ નહી સ્‍વકારવાની જાહેરાત કરતા પોલીસ ધંધે લાગી ગઇ હતી.

ગોંડલ ડી.વાય.એસ.પી. જીલ્લા એલ.સી.બી. અને આટકોટ પોલીસ દ્વારા સમાજના આગેવાનોને સમજાવવા પ્રયાસો અને પોલીસ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી કે જુદી-જુદી ટીમો દ્વારા આરોપીનું પગેરૂ દબાવવામાં આવી રહ્યુ છે. અને આરોપી ટૂંક સમયમાં પડકાઇ જશે એ દરમિયાન આગેવાનો અને પોલીસ વચ્‍ચે જીભાજોડી અને ગોંડલ ડી.વાય.એસ.પી. દ્વારા કહેવામાં આવ્‍યુ કે અમે જાદુગર નથી કે નથી અમારી પાસે હેલીકોપ્‍ટર કે તુરંત આરોપી પકડાઇ જાય એ વાતને આગેવાનોએ પકડી લીધી અને લાશ નહી સ્‍વીકારવાની બધાએ જીદ પકડતાં મામલો  ગરમાયો હતો.

આગેવાનોની સમજાવટ ચાલુ હતી એ દરમિયાન આરોપી જૂનાગઢથી ઝડપાઇ ગયો છે. તેની આગેવાનોને જાણ કરતા અમુક આગેવાનો દ્વારા મૃતદેહ સ્‍વીકારવાની હા પાડી પણ અમુક આગેવાનોએ છેલ્લે ડી.વાય.એસ.પી. આવી માફી માગે તો જ મૃતદેહ સ્‍વીકારવા કહેતા મામલો ફરીવાર ગરમાયો હતો. અંતે બપોરે બે વાગ્‍યે મૃતદેહ સ્‍વીકારવામાં આવ્‍યો હતો.

જો કે અમુક આગેવાનોની ખોટી જીદના લીધે મૃતદેહ ૮ કલાક રજળ્‍યો હતો.

જીદ કરનાર આગેવાનો માત્ર કોમલ સાથેના પ્રેમ સંબંધને કારણે કમલેશે તેની પ્રથમ પત્‍નિને છુટાછેડા આપ્‍યા ત્‍યારે એક પણ આગેવાને કમલેશને સમજાવ્‍યો નહોતો કે આ તુ ખોટુ કરી રહ્યો છે તેની પ્રથમ પત્‍નિનો શુ વાંક હતો કે તેણે તેની છ વર્ષની પુત્રીને છોડી પિયર જવું પડયું !

કોઇ પણ સમાજના આવા આગેવાનો વિરોધ કરે એ સ્‍વીકાર્ય છે. પરંતુ કમલેશની પ્રથમ પત્‍નિ ઉપર કેવા દુઃખ પડયા હતા. ત્‍યારે કેમ કોઇ આગેવાને કમલેશને સમજાવી કે બીજી રીતે આ ઘર સંસાર ચાલુ રહે તેવા પ્રયાસો કરે તો આવા બનાવ બનતા અટકે તેવું દલિત સમાજના અમુક લોકો ચર્ચા કરતા હતા.

(11:13 am IST)