Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ધોરાજીમાં ૮ાા ઇંચઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાપટા યથાવત

મેઘરાજા હવે થોડો સમય ખમૈયા કરે અને વરાપ આપે તેવી ખેડૂતોની માંગઃ મિશ્ર વાતાવરણ યથાવત

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં ધોરાજી તથા ત્રીજી તસ્‍વીરમાં મોરબીમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : ધર્મેન્‍દ્ર બાબરીયા (ધોરાજી), પ્રવિણ વ્‍યાસ (મોરબી)
રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ઝાપટા યથાવત છે. ધોરાજીમાં ૪૮ કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ પડયો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. જામનગર જીલ્લાના જામજોધપુર-જામનગર જોડીયા, ધ્રોલમાં દોઢ ઇંચ તથા લાલપુરમાં પોણો ઇંચ વરસાદ વરસ્‍યો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જીલ્લાનાં માણાવદર, માળીયાહાટીનામાં આજે સવારે વરસાદી ઝાપટા વરસ્‍યા છે.
ધોરાજી
(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી :.  ૪૮ કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા હતા ભારે વરસાદને કારણે ધોરાજીની સફુરા નદી ઘોડાપુર આવેલ અને તેમજ અન્‍ય નાના મોટા રોડ ડેમો પણ ઓવર ફલો થયેલ છે. ભારે વરસાદને કારણે કપાસ મગફળી, સોયાબીન જેવા પાકોમાં મોટે પાયે નુકશાની જોવા મળી  છે. અને ધરતી પુત્રો હવે મેઘરાજાને કહે છે  હવે તો બસ કરો. ધોરાજી વિસ્‍તારમાં કુલ મોસમનો વરસાદ પ૩૬ એમ. એમ. હોવાનું   અધિકારી સેતાભાઇએ જણાવેલ હતું
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં શ્રાવણી સરવડા થી માંડી અડધાથી એક ઈંચ વરસાદ પડ્‍યો છે. જિલ્લામાં સિહોર માં એક ઇંચ તથા ગારિયાધારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે. શહેરમાં શ્રાવણી સરવડા અને હળવા ભારે ઝાપટાં વરસી ગયા હતા. જયારે જિલ્લામાં છુટો છવાયો વરસાદ પડ્‍યો છે.
આજે સવારના ૬ વાગે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દરમિયાન ભાવનગરના ઉમરાળામાં ૬મી.મી. ગારીયાધાર માં ૧૦મી.મી. જેસર માં ૫ મી.મી. પાલીતાણા માં ૬ મી.મી.ભાવનગર શહેર માંᅠ ૩ મી.મી. મહુવામાં ૬ મી.મી.વલભીપુર માં ૭ મી.મી.અને સિહોર માં ૨૧ મી.મી. વરસાદ નોંધાયો છે.
ગોંડલ
(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલ માં ગત મોડીરાત થી વરસાદ વરસવો શરુ થયો હતો.આજે દિવસભર વરસાદ વરસતા શહેરમા ઠેરઠેર પાણી ભરાયા હતા.રાતાપુલ, ઉમવાડા તથા આશાપુરા અંડરબ્રિજ માં પાણી ભરાતા ટ્રાફિકને અસર પહોંચી હતી.સંગ્રામસિહજી હાઇસ્‍કૂલના મેદાનમા યોજાયેલ લોકમેળામા વરસાદને કારણે કીચકાણ થવા પામ્‍યુ હતુ.સતત વરસતા વરસાદને લઈને મેળાના વિવિધ સ્‍ટોલ પલળી જવા પામ્‍યા હતા.ગોંડલ, સુલતાનપુર, વાસાવડ સહિત પંથક મા બે થી ચાર ઇંચ વરસાદ વરસ્‍યો છે
મોરબી
(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ મોરબી જીલ્લામાં મંગળવારે રાત્રીથી શરુ થયેલી મેઘમહેર બુધવારે પણ જોવા મળી હતી બુધવારે આખો દિવસ વરસાદી માહોલ વચ્‍ચે સમગ્ર પંથકમાં સારો એવો વરસાદ વરસ્‍યો હતો જેમાં ટંકારા અને માળિયામાં ૧-૧ ઇંચ વરસાદ વરસ્‍યો હતો તો મોરબી અને હળવદ તાલુકામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે
મોરબી જીલ્લામાં આજે સવારે ૬ થી સાંજે ૬ વાગ્‍યા સુધીમાં મોરબી તાલુકામાં ૧૮ મીમી, માળિયા તાલુકામાં ૨૫ મીમી, ટંકારા તાલુકામાં ૨૮ મીમી તેમજ હળવદ તાલુકામાં ૨૧ મીમી અને વાંકાનેર તાલુકામાં ૦૭ મીમી વરસાદ નોંધાયો છે મોરબી જીલ્લામાં સાર્વત્રિક મેઘ મહેરથી સર્વત્ર ખુશીનો માહોલ છવાયો છે.

 

(11:10 am IST)