Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

દ્વારકા પાલિકા દ્વારા સ્‍વાતંત્ર્ય પર્વ નિમિતે જયોતિબેન સામાણીના હસ્‍તે ધ્‍વજવંદન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૧૮: દ્વારકા નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણીના ભાગરૂપે ૭૬ મા સ્‍વાતંત્ર્ય પર્વની દ્વારકા શહેરમાં પ્રિતમ વ્‍યાયામ મંદિર ખાતે આજરોજᅠ દ્વારકા નગરપાલિકાના પ્રમુખશ્રી જયોતિબેન પી.સામાણી ઉપસ્‍થિતિમાં ઉજવણી કરવામાં આવી.
દ્વારકા નગરપાલિકાના પ્રમુખશ્રી જયોતિબેન પી.સામાણીના હસ્‍તે ૧૫ મી ઓગસ્‍ટ - ૭૬ મા સ્‍વતંત્રતા દિવસે પ્રીતમ વ્‍યાયામ મંદિર ખાતે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું.
દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જયોતિબેન પી.સામાણી એ આઝાદી ના અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે ૭૬ મા સ્‍વતંત્રતા પર્વની ઉજવણીની સૌને શુભેચ્‍છાઓ પાઠવી હતી.તેમજ ૭૬ મા સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સૌને સંબોધન કરતા જણાવ્‍યું હતું કે ભારત દેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. આજે આપણે સૌ આઝાદીના ૭૫ વર્ષનીᅠ ઉજવણી કરી રહ્યા છીએ. આપણા વીર સપૂતો અને દેશભકતોના બલીદાનના કારણે આપણને આઝાદી મળી છે ત્‍યારે હું એ વીર શહીદોને નમન કરું છું.
વધુમાં જણાવ્‍યું હતું કે આઝાદીના ૭૫ વર્ષમાં ભારતે વૈશ્વિક સ્‍તરે અભૂતપૂર્વ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. આઝાદી કા અમૃત મહોત્‍સવ પ્રસંગે દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના આહવાનથી સમગ્ર દેશના લોકોમાં દેશભકિત અને રાષ્ટ્ર ભાવનાના દર્શન થયા છે. ભારત એ એકતા, અખંડિતતા, સર્વ બંધુત્‍વ અને વસુધૈવ કુટુંબકમ્‌ નો વિચાર એટલે ધરાવતું રાષ્ટ્ર છે. આજે દેશની સીમા પર રાષ્ટ્રની રક્ષા કરતા દેશના વીર સપૂતોને હું વંદન કરું છું.
વધુમાં દ્વારકા નગરપાલિકાના ફાયર શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓને કામગીરી બદલ સન્‍માનીત કરવામાં આવ્‍યા તેમજ એન.ડી.એચ.હાઈસ્‍કુલ- પ્રાથમીક, માઘ્‍યમિક તથા ડી.એન.પી. ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલના વિઘાર્થીઓ દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્‍યા.
ᅠપ્રીતમ વ્‍યાયામ મંદિર ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ વિજય ભાઈ બુજડ, નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા,શાસક પક્ષના નેતા પ્રદ્યુમનસિંહ જાડેજા, સદસ્‍ય શ્રીઓ, નગરપાલિકા સ્‍ટાફ, એન.ડી.એચ.હાઈસ્‍કુલ- પ્રાથમીક, માધ્‍યમિક તથા ડી.એન.પી. ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલ ના આચાર્ય, શિક્ષકો તેમજᅠ વિદ્યાર્થીઓ ખુબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ દિપેશ સામાણી -દ્વારકા)

 

(10:48 am IST)