Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

થાનગઢ-ઐતિહાસિક વાસુકીદાદા મંદિરે નવી ધજા ચડાવીને નાગપંચમીની ભવ્‍ય ઉજવણી

ચોટીલા-થાનગઢ,તા. ૧૮ : જતી સતી સંત સુરાની પંચાળ ભુમીની ચોવીસીનાં થાનગઢ નગર ખાતે ઐતિહાસિક થાનગઢ શહેરમાં આ વાસુકી દાદાનું મંદીર આવેલુ છે.
આ મંદિરમાં નાગ પાંચમના દિવસે દાદાના બેસણા રાખવામાં આવે છે.
અહીં નજીકમાં જ પંચકુડિયા તળાવ આવેલું છે જેને હાલ નાના તળાવ તરીકે ઓળખાય છે.
દાદાના પ્રાગટયનો ભવ્‍ય ઇતિહાસ છે. એક હજાર વર્ષે જુના ચમત્‍કારી દેવતાઈ દાદાના પરચા સ્‍વરૂપે રાયણનાં વૃક્ષની નીચે વાસુકી દાદ બિરાજમાન છે. જે આજના અતિ કઠણ કળયુગમાં લોકોની અખૂટ શ્રધ્‍ધાનું પ્રતિક છે.
નાગ દેવતા ના પ્રાગટ્‍યદિન નિમિત્તે નાગપાંચમ ઉજવાય છે જેની ઉજવણીની શરૂઆત વહેલી સવારે મંગળા આરતી અને નવી ધજા ચડાવીને વાસુકી દાદાના જયકારાનાં નાદ સાથે ભાવિકોએ કરી હતી.
મહંત રાજેન્‍દ્રગિરિ બાપુના જણાવ્‍યું હતું કે આજે ખાસ દાદા નો ભવ્‍ય વિશેષ શણગાર સજવામાં આવે છે સાથે સવારે ૫:૩૦ કલાકે દાદાની મંગળા આરતી તથા માધ્‍યાને ૧૨ વાગે અને સાંજે ૭:૩૦ વાગ્‍યે કલાકે ત્રિકાલ સંધ્‍યા આરતી તેમજ દાદાના શાસ્ત્રોકત મંત્રોચ્‍ચાર સાથે કીર્તન ધુનનું આજે વિશેષ આયોજન રાખવામાં આવેલ છે.
થાનગઢ શહેર અને આસપાસનાં તાલુકામાં વસતા દાદાના ભક્‍તો આજના દિવસે ખાસ દર્શનનો લાભ લેવા મોટી સંખ્‍યામાં આવે છે ત્‍યારે મંદિર મહંત પરિવાર દ્વારા ત્રિકાલ આરતીનો લાભ લેવા તેમજ ભાવ ભક્‍તિ માટે ભક્‍તોને અનુરોધ કરવામાં આવેલ છે. (તસવીરઃ હેમલ શાહ - જય ખત્રી)

 

(10:46 am IST)