Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

નવા ભારતની સંકલ્પનામાં ગુજરાત પ્રજાભિમુખ સુશાસનથી નવી દિશા આપશે;વિજયભાઈ રૂપાણી

ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ ભવનના નવા ભવનોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ગીર સોમનાથ જીલ્લાના ઇણાજ ખાતે નવનિમાઁણ પામેલ જીલ્લા પોલીસ ભવન તેમજ જીલ્લા પંચાયત ભવનનુ લોકાપઁણ મુખ્ય મંત્રી વિજયબહી રુપાણીના હસ્તે યોજાયુ હતુ.
  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ ભવનના નવા ભવનોનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, નવા ભારતની સંકલ્પનામાં ગુજરાત પ્રજાભિમુખ સુશાસનથી નવી દિશા આપશે. ગુજરાતનું લોક પ્રશાસન આધુનિક બની રહ્યું છે અને ભ્રષ્ટાચાર મુક્ત, પારદર્શક, લોકાભિમુખ વહીવટથી ઝડપી જનસેવા ઉપલબ્ધ થઈ છે.

પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે સંવેદનાપુર્વક સમાજની સેવા કરે છે તેનું મોરબીના પોલીસ જવાનની ફરજ નિષ્ઠાનું દ્રષ્ટાંત આપતા મુખ્યમંત્રીએ પોલીસ પ્રજાના મિત્ર તરીકે કામ કરવાની સાથે અસામાજીક તત્વો સામે કડક હાથે કામ લઈને પ્રજાની સુરક્ષાનો વિશ્વાસ સ્થાપિત કરી રહી છે તેમ જણાવ્યું હતું. સોમનાથ દાદા અને ભગવાન દ્વારકાધીશની કૃપાથી વાયુ વાવાઝોડુ અન્ય દિશામાં ફંટાઈ ગયું તે માટે તેઓ સોમનાથ દાદાને નમન કરવા આવ્યા છે તેમ પણ ઉમેર્યું હતું.

સોમનાથ મંદિરના નિર્માણમાં અને રજવાડાઓને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કરીને મુખ્યમંત્રી એ કહ્યું કે, કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ થતાં સરદાર સાહેબનું એક અને અવિભાજ્ય ભારતનું સપનું સાકાર થયું છે. તેમ જણાવીને એક ભારત એક બંધારણ એક વિધાનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે સાર્થક કર્યું છે તેમ પણ ગૌરવ સાથે જણાવ્યું હતું. ગુજરાતમાં મહિલાઓના ગળામાંથી ચેનની ચિલઝડપ કરનારને સાત વર્ષની જેલની સજાનો કાયદાની સાથે દારૂબંધી અને નાની બાળાઓ પર અત્યાચારના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના પંચાયત મંત્રી જયદ્રથસિંહજી પરમારે સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રજાલક્ષી નિર્ણયો લઇને પ્રજાના છેવાડાના માનવી સુધી તમામ સેવાઓ પહોંચે તે માટે રાજ્ય સરકાર તત્પર હોવાનું જણાવી ગ્રામ પંચાયતોના નવા મકાનો માટે પણ પૂરતી ગ્રાન્ટ ફાળવી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરે ઉપસ્થિત મહેમાનોને આવકારીને ગીર સોમનાથ જિલ્લાની વિકાસગાથા વર્ણવી હતી.

(9:57 pm IST)