Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા દેવભૂમિ દ્રારકા જિલ્લાના લોકોને ૧૪.૯૨ કરોડના વિકાસકામોની ભેટ

ખંભાળિયામાં પોલીસ ભવન તેમજ ખંભાળિયા અને ભાણવડ તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ દેવભૂમિ દ્રારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે ૧૦.૬પ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન પોલીસ ભવન તેમજ ખંભાળીયા અને ભાણવડ ખાતે રૂા.૪.૨૭ કરોડના ખર્ચે નિર્મિત તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ લોકાર્પણ બાદ ખંભાળીયા માર્કેટીંગ યાર્ડ ખાતે વિશાળ જનસભાને સંબોધતા કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં કાયદાનું શાસન પ્રસ્થાપીત કરવા સાથે એક પણ નિર્દોષ દંડાઇ નહિં અને એક પણ ગુન્હેગાર કાયદાની ચુંગાલમાંથી છટકી શકે નહિં તેવી સુદ્રઢ વ્યવસ્થા આપણે ઉભી કરી  છે.

   પોલીસ લોકોની મીત્ર છે લોકો માટે અવિરત કામ કરે છે તે બાબત વર્તમાન સરકારે પ્રસ્થાપિત કરી  છે આથીજ સમગ્ર ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ બની છે. શાંતી અને સલામતી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું. 

     મુખ્યમંત્રી સમગ્ર દેશમાં સ્વચ્છતા દર્પણમા દેવભૂમિ દ્રારકા જિલ્લાને પ્રથમ સ્થાને વિજેતા જાહેર થવા બદલ અભિનંદન પાઠવી જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી વાઘેલાને સન્માનિત કર્યા હતા.તેમણે સ્વચ્છતા ત્યાંજ પ્રભૂતા છે. સ્વચ્છતા થકી પ્રવાસીઓની સંખ્યા વધે છે, લોકોને રોજગારી મળે છે આથી જ રાજ્ય સરકારે તમામ યાત્રાધામોને ૨૪ કલાક સફાઇ થાય તેની તકેદારી લીધી છે તેમ જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રીએ જરીપુરાણા સરકારી મકાનો કચેરીઓના બદલે કોર્પોરેટ લુક ધરાવતા સરકારી બિલ્ડિંગોના નિર્માણ થકી આવતા પ૦ વર્ષ સુધી આ ભવનોમાં બેસી અધિકારીઓ કર્મચારીઓ લોકોની સેવા માટે કાર્યરત રહેશે તવો આ સરકારનો અભિગમ છે તેમ ઉમેર્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૩માં નવા જિલ્લાઓનુ નિર્માણ કરી લોકોનો સમય અને શક્તિ બચે તે માટેનો માર્ગ કંડાર્યો હતો ત્યારે આજે આ જિલ્લાઓ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે અને દેવભૂમિ દ્રારકા જિલ્લો પણ વિકાસની દોડમાં મોખરે છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ દારૂની બદીને નાથવા કડક દારૂબંધી, મહિલાઓના ચેનની ચીલ ઝડપ કરનારાને ૭ વર્ષ સુધીની સજા ગૌ હત્યાને ડામવા કડક કાયદા આ સરકારે બનાવી ખંડણીખોરો, માફીયાઓ સહિત ગુન્હેગારોને નેસ્ત નાબુદ કર્યા છે. 

સમગ્ર ગુજરાતમાં C.C.T.V. નું નેટવર્ક ઉભુ કરી ગુન્હેગારો કોઇપણ રીતે ના છટકે તેની વ્યવસ્થા કરી છે, ટેકનોલોજીનો પોલીસ વિભાગ મહત્તમ ઉપયોગ કરે છે. સાઇબર ક્રાઇમને રોકવા સાઇબર પોલીસ સ્ટેશન  સહિતનું નિર્માણની મુખ્યમંત્રીશ્રીએ છણાવટ કરી હતી. 

મુખ્યમંત્રીએ ૪૧ હજાર જેટલા લોકોનો કાશ્મીરમાં આંતકવાદે ભોગ લીધો છે તેનો ઉલ્લેખ કરી કહ્યુ કે ૩૭૦ અને ૩પA કલમ નાબુદ કરી આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રીએ સમગ્ર કાશ્મીરમાં આંતકવાદને ભૂતકાળ બનાવવાનું કાર્ય કર્યું. 

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ચીફ મીનીસ્ટર તરીકે નહિં પરંતુ કોમનમેન તરીકે સતત કાર્યરત રહી ગુજરાતનો સર્વાંગી ક્ષેત્રે વિકાસ થાય, ભ્રષ્ટાચાર નાબુદ થાય, કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે પ્રતિબધ્ધ છે તેમ જણાવ્યુ હતું. 

જામનગરનાં સાંસદ શ્રીમતી પુનમબેન માડમે જિલ્લાના વિકાસની રૂપરેખા આપી હતી. કાર્યક્રમનાં પ્રારંભે જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીણાએ સ્વાગત પ્રવચન અને જિલ્લા પોલીસવડા રોહન આનંદે આભાર વીધી કરી હતી. મુખ્‍યમંત્રીનું વિવિધ સમાજના લોકોએ પરંપરાગત પાઘડી તથા અન્‍ય મોમેન્‍ટો આપી સ્‍વાગત સન્‍માન કર્યું હતું. 

આ પ્રસંગે ગ્રામ વિકાસ અને કૃષિ મંત્રી આર.સી.ફળદુ, જિલ્લા પ્રભારી અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા, અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા, ગ્રીમ્કોના ચેરમેન મેઘજીભાઇ કણજારીયા, પૂર્વ ધારાસભ્ય કારૂભાઇ ચાવડા સહિત અધિકારીઓ પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(8:11 pm IST)