Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

દ્વારકામાં જન્માષ્ટમી પર્વ ઉજવવા બેઠક યોજાઇ

આરોગ્ય, જનસેવા, વિજ પુરવઠો, ટ્રાફીક સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કલેકટર તથા ઉપાધ્યક્ષ ધનરાજભાઇ નથવાણી સહિતની ઉપસ્થિતિ

દ્વારકા, તા. ૧૮ તા. ૩ નવેમ્બરના ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી આનંદ ઉમંગ ઉત્સાહ સાથે ભાવિકોની સુવ્યવસ્થા જાળવવા સહિતના જુદા જુદા મુદાઓ અંગે દ્વારકા દેવભૂમિ જીલ્લા કલેકટર શ્રી ડોડીયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કલેકટર એ સરકારી તંત્રને તાકીદ સાથે જણાવ્યું હતું કે દ્વારકા પધારતા શ્રીકૃષ્ણ ભકતોની વ્યવસ્થામાં કમી ન રહે તે માટે સરકારી તંત્ર આગમચેતીરૃપે વિજ પુરવઠો, આરોગ્ય, જનસેવા, ટ્રાફીક, ખાદ્ય પદાર્થો, પાર્કીંગ, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સહિતના મુદા ઉપર ઉડાણપૂર્વકની ચર્ચા વિચારણા કરી જરૃરી સૂચનો કર્યા હતાં.

દ્વારકા નજીકના તીર્થ ક્ષેત્રો નાગેશ્વર મંદિર અને બેટ દ્વારકામાં પણ યાત્રીકો નિયત રીતે ટ્રાન્સપોર્ટની સેવા મળે તેના ઉપર પણ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ ડોડીયાએ ખાસ ભાર મૂકયો હતો.

ઉપરાંત યાત્રીકોને જન્માષ્ટમીના દિને શ્રીકૃષ્ણ જન્મોત્સવનું જીવંત પ્રસારણ ઇલેકટ્રીક મીડીયાના માધ્યમથી થાય તેમજ આકાશવાણી કેન્દ્ર ઉપરથી જન્મોત્સવનો જીવંત કાર્યક્રમ રજુ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પાલિકા પ્રમુખ જીતેષ માણેક તથા .પપ્રમુખ પરેશ ઝાપરીયાએ જન્માષ્ટમી ઉત્સવની પાલિકાએ કરેલ તૈયારીઓનો ચિતાર આપતા કહ્યું હતું કે પાલિકા દ્વારા જનઆરોગ્ય વિષયક સેવા માટે શહેરમાં સુખાકારીના પ્રશ્ને શહેરના માર્ગોની સફાઇને વધુ સંગીન બનાવી ખાસ કરીને દ્વારકાધી મંદિર પરિસદ, ગોમતી ઘાટ સહિતના જાહેર સ્થળો ઉપર સફાઇ કામદારોની વધુ ટુકડી મૂકવામાં આવશે. ઉપરાંત ટ્રાફીક સમસ્યા નિવારવા પાલિકા પોલીસ તંત્રને પૂરતો સહયોગ આપશે તેમજ અખાદ્ય પદાર્થો અંગે આરોગ્ય શાખાની ટીમ દ્વારા જાહેર સ્થળો ઉપર વેચાણ કરતા આવા પદાર્થોનું સ્થળ ઉપર જ ચેકીંગ કરાશે તેમજ જન્માષ્ટમી ઉત્સવને યાદગાર બનાવવા શહેરના રાજમાર્ગો જાહેર ચોક, મહોલ્લાઓ અને હેરીટેજ સ્થળોને સુશોભીત કરવામાં આવશે.

બેઠકમાં દેવભૂમિ દ્વારકાના જીલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્ર રાવલ, અધિક કલેકટર પટેલ, નાયબ કલેકટર જાડેજા, મામલતદાર આચાર્ય, પી.આઇ. દેકાવડીયા તથા આગેવાનો લુણાભા સુમણીયા, સુભાષભાઇ, હરાભાઇ, ચંદુભાઇ બારાઇ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(11:46 am IST)