Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કાલાવડના રોજીયા ગામમાં ત્રણ બહેનના એકના એક ભાઇનું ઝેરી અસરથી મોત

ખેતરમાં દવા છંટકાવ વખતે દવાવાળા હાથેથી તમાકુ ખાતાં બનાવઃ ચાર સંતાન પિતા વિહોણાઃ મૃતક મુળ એમપીનો

રાજકોટ તા. ૧૮: કાલાવડના શીશાંગ પાસેના રોજીયા ગામે વાડીમાં રહી ખેત મજુરી કરતાં મુળ મધ્યપ્રદેશના ૨૫ વર્ષના યુવાનનું ઝેરી અસરથી મોત થયું છે. આ યુવાન ત્રણ બહેનનો એકનો એક ભાઇ અને ચાર સંતાનનો પિતા હતો.

જાણવા મળ્યા મુજબ રોજીયા ગામે ભગુભાની વાડીમાં કેટલાક વર્ષોથી રહી ખેત મજૂરી કરતાં કમલેશ વરસંગભાઇ નુંગરા (ઉ.૨૬) નામના આદિવાસી યુવાનને ગઇકાલે ખેતરમાં દવા છંટકાવ કરતી વખતે ઝેરી અસર થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ રાત્રે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે જરૂરી કાર્યવાહી કરી કાલાવડ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કમલેશ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો. તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. ખડમાં દવા છંટકાવ કરતો હતો ત્યારે દવાવાળા હાથે તમાકુ ખાઇ લેતાં તેના કારણે ઝેરી અસર થયાનું તેના પિતા વરસંગભાઇએ જણાવ્યું હતું. બનાવથી મજૂર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. (૧૪.૫)

(11:42 am IST)