Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

વિશ્વ પ્રસિદ્ધ કચ્છી અને વૈવિધ્યસભર ભરતકામને મળ્યું GI ટેગ

કચ્છના 210 ગામોમાં 1240થી વધુ વણકરો ઘેર બેસીને ઉન,સૂત્ર અને સિલ્કથી ભાતીગળ શાલનું કરે છે ઉત્પાદન

વિશ્વ પ્રસિદ્ધ કચ્છી શાલ અને ભરતકામને જીઆઇ ટેગ મળ્યું છે કચ્છ વૈવિધ્યપૂર્ણ હસ્તકલાઓ અને હાથશાળ માટે વિશ્વભરમાં પ્રચલિત છે. કચ્છમાં વણકર અને મારવાડા કોમના પરિવારો છેલ્લા લગભગ ૫૦૦ વર્ષથી સુતર અને ઉન પર વણાટ કરીને રંગબેરંગી શાલોનું વંશ- પરંપરાગત રીતે ઉત્પાદન કરે છે. આ વિસ્તારનો સમૃધ્ધ કળાવારસો વિવિધ સમુદાયોની અનેરી સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. આ કળા સાથે હજારો કારીગરોની આજીવિકા પણ જોડાયેલી છે ત્યારે કચ્છની વિશ્વ વિખ્યાત રંગબેરંગી કચ્છી શાલ અને મેઘધનુષ્યના રંગો જેવા વૈવિધ્યસભર ભરતકામને ભારત સરકાર દ્વારા જી.આઇ.ટેગની ફાળવણી કરવામાં આવી છે.

   જિલ્લા વહીવટીતંત્રની પહેલને પગલે અને વણાટકામનાં કારીગરોનાં જાગૃત સંગઠન કચ્છ વિવર્સ એસોશીએશનના પ્રયત્નોથી આ જીઓ ગ્રાફીક ઇન્ડીકેટર ટેગ કચ્છના વિશ્વ પ્રસિધ્ધ વણાટકામ અને ભરતકામના ઉત્પાદનને ઉપલબ્ધ થઇ શક્યું છે. કચ્છના લગભગ ૨૧૦ ગામોના ૧૨૪૦ થી પણ વધુ વણકરો પોતાના ઘરે બેસીને વિવિધ ડિઝાઇનની ઉન, સુતર અને સીલ્કથી ભાતિગળ કચ્છી ડીઝાઇનોથી શાલોનું ઉત્પાદન કરે છે. જેની વિવિધ પ્રવૃતિઓમાં ૨૪૦૦ થી પણ વધુ બહેનો પૂર્ણ સમય માટે આ કામમાં જોડાયેલ છે.
    જિલ્લા કલેકટર રેમ્યા મોહને આગામી રણ ઉત્સવ દરમિયાન કચ્છના ભાતિગળ ભરતકામ અને વણાટકામના વંશ-પરંપરાગત કારીગરો પ્રસ્તુત જીઓ ગ્રાફીક ઇન્ડીકેટર ટેગનું મહત્વ સમજીને પોતાના ઉત્પાદનો માટે મહત્તમ અને યોગ્ય ઉપયોગ કરે જેથી કચ્છના આ કસબની સાચી ઓળખ કરવી પ્રવાસીઓ-ખરીદદારો માટે સરળ બને અને કચ્છના નામે વેંચાતા બીજા વિસ્તારની નિમ્નકક્ષાની વસ્તુઓનો વેપાર ડામી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું.
   ભુકંપ પછી કચ્છ માં પ્રવાસન ને ખુબ વેગ મળેલ છે. ખાસ કરીને રણ ઉત્સવના 3 મહિના સમયગાળા વખતે કચ્છમાં દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ આવે છે. આ પ્રવાસીઓ કચ્છના કારીગરો દ્વારા નિર્મિત વિવિધ હસ્તકલાઓ અને હાથશાળની વસ્તુ ખરીદે છે. સમય જતા માંગ વધવાથી અમુક નફાકારક તત્વો દ્વારા દેશના અન્ય ભાગોમાં ઉત્પાદિત થતી નિમ્ન પ્રકારની અને નકલી શાલો-ભરતકામનો કચ્છની હોવાનું કહી વેંચાણ કરે છે.  આ પરિસ્થિતિમાં કચ્છના કારીગરો દ્વારા ઉત્પાદન થતી મુળ વસ્તુના બજારમાં રક્ષણ માટે જી.આઇ.ટેગનું અત્યંત મહત્વ છે.
   જી.આઇ.ટેગ મેળવનાર ઉત્પાદનને એ ઘણી રીતે ઉપયોગી છે. તે ઉત્પાદક અને ઉત્પાદનને કાયદાકીય રક્ષણ પુરું પાડે છે. અને એના ગેરઉપયોગ અને નકલ થતા અટકાવે છે. ઉપરાંત તેના ગ્રાહકોને ગુણવતા અને મુળભુત ઉત્પાદનની ખાતરી આપે છે. અને માત્ર સ્થાનિક બજારમાં જ નહિં પરંતુ વિદેશોની બજારમાં વેચાણને વધારવામાં ઘણો મોટો ફાળો પુરો પાડે છે.

(9:08 pm IST)