Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

કોર્ટનો ઓર્ડર હોવા છતાં રાણપુર ગ્રા. પં.ના ગૌચરના દબાણો દૂર નહી કરાતા ચકચાર

બોટાદ, તા. ૧૮ :. બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં રહેલ ગૌચરની જમીનમાં ઈસમો દ્વારા દબાણ કરવામાં આવ્યુ હતું. જે દબાણ દૂર કરવા અંગે હાઈકોર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરવામાં આવી હતી. જે અંગે કોર્ટ દ્વારા દબાણ દૂર કરવા અંગે ઓરલ ઓર્ડર કરવામાં આવ્યો હતો પરંતુ સરકારી અમલદારો દ્વારા ઓર્ડરનો અમલ નહી કરવામાં આવતા કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ અંગે મળતી વિગત અનુસાર રાણપુર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાં અમુક ઈસમો દ્વારા દબાણ કરવામાં આવ્યુ હતું. જે અંગે રાણપુર ગામના રામજીભાઈ વજેકરણભાઈ ગાંગડીયા તેમજ રાણાભાઈ કાનાભાઈ સભાડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પી.આઈ.એલ. નં. ૧૯૭/૨૦૧૫થી દાખલ કરવામાં આવી હતી. જે અંગે હાઈકોર્ટના જજ એસ.આર. બ્રહ્મભટ્ટ તેમજ જસ્ટીસ બી.બી. માયાણી દ્વારા તા. ૨૯-૩-૨૦૧૯ના રોજ રાણપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારના ગૌચર જમીન ઉપર દબાણો દૂર કરવા ઓરલ ઓર્ડર કરવામાં આવ્યો હતો. જે ઓર્ડરની નકલ બોટાદ જીલ્લા કલેકટર, બોટાદ જીલ્લા વિકાસ અધિકારી, રાણપુર મામલતદાર, રાણપુર તાલુકા વિકાસ અધિકારી તેમજ રાણપુર તલાટી કમ મંત્રીને તા. ૨૫-૪-૨૦૧૯ સુધીમાં પાઠવવામાં આવી હતી. તેમજ અરજદારો દ્વારા સરકારી અમલદારોને લેખિત-મૌખિક રજુઆતો પણ કરવામાં આવી હતી, છતાં તંત્ર દ્વારા કોઇ ગૌચર ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું નહોતું જે અંગે એડવોકેટ નટવરલાલ જી. વસોયા દ્વારા બોટાદ જીલ્લા કલેકટર, બોટાદ જીલ્લા વિકાસ અધિકારી, રાણપુર મામલતદાર, રાણપુર તાલુકા વિકાસ અધિકારી તેમજ રિણપુર તલાટી કમ મંત્રી તમામ પક્ષારોને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની નોટીસ તા. ૧પ-૭-ર૦૧૯ના રોજ આપવામાં આવી હતી. જયારે સરકારી બાબુઓ ઉપર કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કેમ ન કરવી તેવી નોટીસ ફટકારતા સમગ્ર રાણપુર પંથકમાં ચકચાર મચી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય વિગત અનુસાર રાણપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ગૌચરની ૬૦૦ એકરની જમીન ઉપર દબાણ અમુક ઇસમો દ્વારા કરવામાં આવ્યું છે.

દબાણ દૂર નહીં થાય તો આંદોલન કરાશે

આ બાબતે રામજીભાઇ ગાંગડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાણપુર ગ્રામ પંચાયતની ગૌચર જમીન ઉપરનું દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તેમજ આ દબાણો દૂર કરવામાં આવે તો મોટા પાયા નીચે રેલો આવે તેમ છે કે પછી મોટા માથા નીચે રેલો ન આવે તો માટે કાર્યવાહી થતી નથી.(૨-૧૨)

(1:20 pm IST)