Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

અખબારી અહેવાલનો પડધો

જાફરાબાદ-અમદાવાદ રૂટની બસ ફરી રાણપુર-પાળિયાદ-વિંછીયા રૂટ પર દોડશેઃ એસ.ટી. તંત્ર ઝૂકયુ

વિંછીયા તા. ૧૮ :.. ચાર દાયકાથી નિયમીત રાત્રે ૯ વાગ્યે ઉપડતી અમદાવાદ - જાફરાબાદ એસ. ટી. બસ રૂટ જે અમરેલી ડેપોની છે. જેને થોડા દિવસથી આ બસ રૂટ ને વાયા રાણપુર-પાળીયાદ - વિંછીયા-જસદણ રૂટને બદલે વાયા વલ્લભીપુર કરી નાખેલ. જેથી રાણપુર - પાળીયાદ-વિંછીયા-જસદણ-બાબરા ની એક માત્ર બસ સુવિધા છીનવાઇ ગયેલ છે. તેમજ વાયા વલ્લભીપુર રાત્રે અડધો ડઝન એસ. ટી. બસો મળે છે. ત્થા આ રૂટ ફેરવી નંખાતા પ્રજામાં રોષ ફાટી નીકળેલ.

અમરેલી એસ. ટી.ના ઉચ્ચ સત્તાધીશોના મનઘડત નિર્ણયના અહેવાલો સૌરાષ્ટ્રના વિવિધ અખબારીના પાને સોય ઝાંટકીને પ્રસિધ્ધ થયા. રાણપુર-વિંછીયા-જસદણ ના જાગૃત નાગરીકોએ અમરેલી એસ. ટી. ડેપો મેનેજર અને ડી. સી. થી લઇ મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર સુધી ફરીયાદોનો ધોધ વહાવ્યો હતો.

જેથી અમરેલી એસ. ટી. ડેપો અને ડી. સી. એ ખોટા નિર્ણય અંગે પાછી ફુંક લઇ... પ્રજાની લાગણીના વિજય રૂપે અમદાવાદ- જાફરાબાદ બંને રૂટ ને મુળ રૂટ પર ઓન લાઇન બુકીંગ સાથે શરૂ કરી દેતા પ્રજાજનોમાં રાહત સાથે આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

રાણપુર-પાળીયાદ-વિંછીયા-જસદણ બાબરાના મુસાફર જનતાએ ચોથી જાગીર એવા અખબારોનો આભાર વ્યકત કર્યો છે. તેમ વિંછીયાના પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે.

(11:35 am IST)