Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સોમનાથ બાયપાસથી કાજલી સુધીનો રસ્તો અતિ બિસ્માર હિરણ નદીના પુલ પરના ખાડાઓથી વાહનચાલકો પરેશાન

પ્રભાસ પાટણ તા.૧૮: સોમનાથ બાયપાસથી કાજલી ગામ સુધીનો હાઇવે રોડ અતિ બિસ્માર બનેલ છે. રોડ ઉપર મોટા ખાડાઓ પડી ગયેલ છે આ દોઢથી બે કિલોમીટરનાં રસ્તામાં મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી જાય છે.

સૌથી વધુ ખરાબ રસ્તો હિરણનાં પુલ ઉપરનો છે. આ પુલ સાંકડો હોવાથી બે મોટા વાહનો સામ-સામે આવે ત્યારે થોડી પણ જગ્યા રહેતી નથી અને માંડ વાહનો પસાર થાય છે અને તેમાં મોટા ખાડાઓ.  અને આ ખાડાઓમાં પાણી ભરાયેલ જેથી વાહનો આ ખાડામાં અથડાય છે. જેના કારણે આ પુલને નુકશાન પહોંચે છે. આ પુલ ઉપરથી વેરાવળ કોડીનાર-ઉના જવા માટે એકમાત્ર આ રસ્તો છે તેમાં આ વાહનો અને જીએચસીએલ, સિધ્ધિ સિમેન્ટ, અંબુજા સહિતનાં મોટા મોટા  હેવી વેઇટ ટ્રકો પસાર થાય છે.

જેથી પૂલના ખરાબ રસ્તાને કારણે આ પુલ સતત નબળો પડતો જાય છે. આ પુલ જુનો હોવા છતા મજબુત છે છતા આ રસ્તો રીપેરીંગ ન કરવાની પુલ નબળો પડતો જાય છે જો આ પૂલને કાંઇ પણ નુકશાન થાય તો વેરાવળ-કોડીનારનો સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ થઇ શકે છે અને અન્ય કોઇવિકલ્પ નથી. આવો ખુબજ મહત્વનો  પુલ હોવા છતા જવાબદાર લોકોની ગુનાહિત બેદરકારીને કારણે રીપેરીંગ કરવામાં આવતું નથી.

આ ખરાબ રસ્તાને કારણે બાઇક ચાલકોને ખુબજ મુશ્કેલી પડે છે અને રસ્તામાં ખાડાઓમાં પાણી ભરાયેલ હોવાથી અંદાજ આવતો નથી અને બાઇકો સ્લીપ થવાનાં વારંમવાર બનાવો બને છે જેથી આ રસ્તો તાત્કાલીક રીપેરીંગ કરવા માંગણી ઉઠી છે.

(11:55 am IST)