Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

જામનગર- દ્વારકા- પોરબંદર જિલ્લામાં આજે મેઘરાજા દે ધનાધનવાળી કરશેઃ રાજકોટમાં સવારથી ચાલુ

આજે પણ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરતું હવામાન ખાતુઃ દરિયાઈ પટ્ટીના વિસ્તારોને મેઘો આજે આવરી લેશેઃ આ સપ્તાહમાં કચ્છમાં પણ સટાસટી બોલાવે તેવી સંભાવના

રાજકોટ,તા.૧૮: સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બહબહાટી બોલાવી છે. અનેક શહેરોને જળબંબોળ બનાવી દીધા છે. ગીર, જુનાગઢ, ઉના જેવા શહેરોને તો પાણી- પાણી કરી દીધુ છે. દરમિયાન આજે પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે ૨૪ કલાક નોનસ્ટોપ એકસ્ટ્રીમ હેવીરેઈન ફોલ થશે. આજે ખાસ કરીને જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો, પોરબંદર જિલ્લામાં વધુ વરસાદ પડશે તેવી શકયતા છે. ચોમાસુ હવે કચ્છ- પાકિસ્તાન તરફ ગતિ કરશે જેથી આ સપ્તાહમાં કચ્છને પણ મેઘરાજા ધમરોળે તેવી પૂરેપૂરી સંભાવના છે. આજે દરિયાઈ પટ્ટીના વિસ્તારોને ધમરોળશે.

૨૦મી સુધી સૌરાષ્ટ્ર- ગુજરાતમાં કોઈ- કોઈ જગ્યાએ વરસાદ ચાલુ રહેશે. એકાદ બે દિવસમાં અરબી સમુદ્રમાં એક હવાનું હળવું દબાણ બનશે. જેની અસર  ૨૩ કે ૨૪ મી જુલાઈએ જોવા મળશે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ આજે સવારથી ફરી મેઘાવી મહોલ જામ્યો છે. ધીમીધારે ઝરમર વરસાદ ચાલુ છે. વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટ શહેરમાં પણ આજે આખો દિવસ વરસાદી માહોલ જળવાઈ રહે તેવી પૂરેપૂરી સંભાવના છે.(૩૦.૩)

(11:05 am IST)